દમણ સેલવાસ GST ડિપાર્ટમેન્ટ દ્વારા શુક્રવારે વિશેષ ટીમ બનાવી હતી. જેમાં માલની હેરફેર કરતા વાહનચાલકોને ઉભા રાખી તેમની પાસેથી વેરો તથા દંડ પેટે લાખો રૂપિયા વસુલ કરવામાં આવ્યા હતા. GST વિભાગ દ્વારા ગત શુક્રવારે સાંજે કોસ્ટલ હાઇવે પર કોળી સમાજ હોલ સામે માલ સમાન લઈ જતા વાહનોના E-Way બિલની તપાસ હાથ ધરવામાં આવી હતી.
GST વિભાગની ટીમનું ચેકિંગ, 5 ટ્રક ચાલકો દંડાયા - GST વિભાગના આસિસ્ટન્ટ કમિશ્નર
દમણ: કોસ્ટલ હાઇવે પર શુક્રવારે સાંજે GST વિભાગની ટીમે E-way બિલ વિના હાઈવે ઉપર માલ સામાનની હેરફેર કરતા ટ્રકોને ઝડપી લેવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં વરસાદી માહોલ વચ્ચે GST ડિવીઝનની ટીમે જુદો જુદો માલ ભરેલા અને E-way બિલ વિનાના 5 ટ્રકો અને ટેમ્પા ડિટેઇન કર્યા હતા.`
તપાસ દરમિયાન પાંચ વાહન ચાલકો પાસે E-Way બિલ ન મળતા GST વિભાગની ટીમે માલ સમાન સહીત ટ્રક અને ટેમ્પા જપ્ત કરી લીધા હતા. મિનિસ્ટ્રી ઓફ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સના આદેશાનુસાર E-way બિલ વિરુદ્ધ આ અભિયાન આખા દેશમાં થઇ રહ્યું છે. જેમાં વાહનોમાં 50,000 રૂપિયાથી વધુ સમાન લાવવા લઈ જવા માટે E-way બિલ જનરેટ કરવાનું ફરજિયાત છે. એવામાં અનેક ટ્રાન્સપોર્ટ સંચાલકો E-way બિલના નિયમોનું ઉલ્લંઘન કરીને E-way બિલ જનરેટ કર્યા વગર જ લાખોના સામાનની હેરાફેરી કરતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને દમણ GST વિભાગે કોળી સમાજ હોલ સામે અચાનક તપાસ અભિયાન હાથ ધર્યુ હતું. આ આકસ્મિક તપાસ દરમ્યાન E-way બિલ વગરના પાંચ ડિફોલ્ટરો GST વિભાગના સાણસામાં આવી ગયા હતા.
GST વિભાગના આસિસ્ટન્ટ કમિશ્નરના જણાવ્યા મુજબ તપાસ દરમ્યાન માલ સમાન સાથે પકડવામાં આવેલા વાહનોમાં ઘણી અનિયમિતતાઓ જોવા મળી હતી. જેના કારણે માલ સમાન સહીત વાહનોને જપ્ત કરવામાં આવ્યા હતા. આ વાહનોના માલિકોએ GSTના નિયમનોનું ઉલ્લંઘન કરતા પકડાયા બદલ નિશ્ચિત રકમનો દંડ ભરવો પડશે તેવું જણાવ્યું હતું.