ગુજરાત

gujarat

ETV Bharat / state

અહીં અપક્ષોના રાફડામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ, જાણો વિગત - gujaratinews

દમણ: સંઘપ્રદેશ દમણ વર્ષ 1961માં પોર્ટુગીઝ શાસનની એડી નીચેથી આઝાદ થયું હતું, ત્યારબાદ દીવ, દમણ અને ગોવા ભારતમાં યુનિયન ટેરિટરી એટલે કે સંઘપ્રદેશ તરીકેનો દરજ્જો પામ્યાં હતા. જેમાં ગોવાને રાજ્યનો દરરજો મળતા દમણ અને દીવ સંઘપ્રદેશ તરીકે કાયમી થયા, હવે દમણ અને દીવની સંયુક્ત લોકસભા બેઠક છે. અહીં વિધાનસભા બેઠક થતી નથી. આ બંને પ્રદેશ કેન્દ્ર સરકાર હસ્તક છે. તેમજ દમણ-દીવમાં પહેલી લોકસભાની ચૂંટણી દેશના આઝાદી બાદ વર્ષ 1987માં યોજાઈ હતી.

Design Photo

By

Published : Mar 21, 2019, 8:00 AM IST

દમણ-દીવની વર્ષ 2019ની મતદાર યાદી મુજબ હાલમાં 1,19,677 જેટલા મતદારો છે. આ મતદારોમાં કોળી પટેલ અને માછી સમાજનું પ્રભુત્વ વધારે છે. આ બે સમાજમાંથી જ લોકસભાના ઉમેદવારો પસંદ કરવામાં આવે છે. દમણના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો, વર્ષ 1987માં પ્રથમ લોકસભા ચૂંટણી સમયે અહીંના માછી સમાજના અગ્રણી ગોપાલ ટંડેલ કોંગ્રેસ પક્ષમાંથી લડ્યા હતાં અને વિજેતા બન્યા હતાં. જેના બે વર્ષ બાદ 1989માં ફરી લોકસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં માછી સમાજના દેવજીભાઈ ટંડેલ ભાજપ પક્ષમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા, જેના બે વર્ષ બાદ ફરી 1991માં પણ દેવજીભાઈ ટંડેલ જ જીત મેળવી લોકસભામાં સાંસદ બન્યા.

1996માં કોંગ્રેસે ફરી ગોપાલ ટંડેલને ટિકિટ આપી અને ગોપાલ ટંડેલ વિજેતા બન્યાં હતાં. 1998માં ભાજપના દેવજીભાઈ ટંડલે સાંસદ પદ મેળવ્યું હતું. જે બાદ 1999 અને 2004માં કોંગ્રેસના ડાહ્યાભાઈ પટેલે સતત બે લોકસભા ચૂંટણીમાં જીત મેળવી સાંસદ બન્યાં હતાં. વર્ષ 2009 અને 2014માં અહીં ફરી ભાજપનો દબદબો વધ્યો અને ભાજપના લાલુભાઈ પટેલ બે ટર્મથી દમણ અને દીવના સાંસદ છે.

વર્ષ 2004, 2009 અને 2014ના પરિણામો પર નજર કરીએ તો વર્ષ 2004માં મુખ્ય પક્ષ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં કુલ 55,591 મતદારોએ મતદાન કર્યું હતું. આ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ડાહ્યાભાઈ પટેલને 27,523 મત મળ્યા હતાં. ભાજપના ગોપાલ ટંડેલને 26916 મત મળતા માત્ર 607 મતની સરસાઈથી કોંગ્રેસના ડાહ્યાભાઈ પટેલનો વિજય થયો હતો.

આ ઉપરાંત વર્ષ 2009માં પહેલી વખત ત્રિપાખીયો જંગ ખેલાયો હતો. જેમાં દમણ-દીવની 2009ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે લાલુભાઈ પટેલને ટિકિટ આપી હતી. કોંગ્રેસે ડાહ્યાભાઈ પટેલને રિપીટ કર્યા હતા, તો ભાજપ કોંગ્રેસમાંથી અગાઉ લડી ચૂકેલા ગોપાલ કલ્યાણભાઈ ટંડલે NCPના નેજા હેઠળ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. વર્ષ 2009ની ચૂંટણીમાં ભાજપના લાલુભાઈ પટેલને 44546 મત મળ્યા હતાં. કોંગ્રેસના ડાહ્યાભાઈ પટેલને તેનાથી અડધાથી પણ ઓછા 19708 મત મળ્યા હતાં, જ્યારે NCPના ગોપાલ ટંડેલને માત્ર 2144 મત મળ્યા હતાં અને ભાજપ જંગી બહુમતીથી સત્તા પર આવ્યું હતું.

જ્યારે અન્ય ત્રણ અપક્ષોએ અને SPના ઉમેદવારે તો માત્ર 300થી 400 મત મેળવતા ડિપોઝીટ પણ ગુમાવવી પડી હતી. વર્ષ 2009માં દમણ-દીવના કુલ મતદારોની સંખ્યા 95832 હતી. દમણના કુલ 65578 મતદારો પૈકી પુરૂષ મતદારો 23720, મહિ‌લા મતદારો 22494 મળીને કુલ મતદાન 72.66% થયું હતું. ભાજપના લાલુભાઈ જાયન્ટ કિલ્લર સાબિત થયા હતા.

વર્ષ 2014માં દમણ-દીવ લોકસભા સીટ માટે ભાજપે ફરીવાર લાલુભાઈ પટેલને રિપીટ કર્યા હતાં. કોંગ્રેસે આ વખતે માજી સાંસદ ડાહ્યાભાઈ પટેલના પુત્ર કેતન પટેલને ટિકિટ આપી હતી. લોકસભા 2014માં ફરી ભાજપના લાલુભાઈ પટેલ વિજેતા બન્યા હતાં. આ લોકસભા ચૂંટણીમાં લાલુભાઈએ 46960 મત મેળવ્યા હતાં, કોંગ્રેસના કેતન પટેલે 37,738 મેળવ્યા હતાં. જેમાં કેતન પટેલે 10.57 ટકા લેખે 9,222 મતની સરસાઈથી હાર મેળવી હતી. જેમાં દમણ-દીવના 87,233 મતદારોએ મતદાન કર્યું હતું.

હાલમાં 2019ની વાત કરીએ તો દમણ-દીવમાં કુલ 1,19,677 મતદારો નોંધાયા છે. જેમાં દમણમાં 42882 પુરુષ મતદારો, 39957 મહિલા મતદારો મળીને કુલ 81839 મતદારો છે. દીવમાં 17095 પુરુષ મતદારો, 20743 મહિલા મતદારો મળી કુલ 37838 મતદારો છે. દમણ-દીવમાં આ વખતે ભાજપના લાલુભાઈ પટેલને જ રિપીટ કરે તેવો સંકેત દમણ સેલવાસની મુલાકાતે આવેલા અમિત શાહે આપ્યો છે. આ ઉપરાંત દમણ ભાજપમાં દમણ-દીવ જિલ્લા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ટંડેલ, પ્રવક્તા વિશાલ ટંડેલ અને જિલ્લા પંચાયતના સુરેશ પટેલ સહિતના નામ સંભળાયા છે. જેમાંથી ભાજપ કોઈ એકને ટિકિટ આપશે. કોંગ્રેસમાં ફરીવાર કેતન પટેલને ટિકિટ આપશે તેવું જણાઈ રહ્યું છે. આ વખતે અપક્ષમાંથી યુથ એક્શન ફોર્સના ઉમેશ પટેલ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવશે. એ જોતાં 2019ની લોકસભા ચૂંટણીમાં દમણ-દીવમાં ત્રિપાખીયો જંગ ખેલાશે.

દમણ-દીવમાં ભાજપે કરોડો રૂપિયાની યોજનાઓ અમલમાં મૂકી છે, પરંતુ તેમ છતાં મતદારો સ્થાનિક નેતાઓથી નારાજ છે. બીજી બાજુ કોંગ્રેસના કેતન પટેલ મજબૂત કોંગ્રેસી નેતા છે, પરંતુ કોંગ્રેસનું વર્ચસ્વ આ પ્રદેશમાં રહ્યું નથી. ઉમેશ પટેલે સતત સ્થાનિક પ્રશાસનનો વિરોધ કરી પ્રજાની હૂંફ મેળવી છે, ત્યારે દમણ-દીવની જનતા ક્યાં પક્ષના ઉમેદવારને સત્તા પર બેસાડશે તેના પર સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details