વલસાડ જિલ્લો પશુધન ધરાવતો જિલ્લો છે. તેમાં પણ ઉમરગામ તાલુકામાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. અહીં પાલતુ પશુઓનું પ્રમાણ પણ વધુ છે. પાલતુ પશુઓને બીમારી દરમિયાન સમયસર ઉપયોગી સારવાર મળી રહે, તે માટે વલસાડ જિલ્લા પંચાયત દ્વારા પશુ દવાખાનાનું નિર્માણ કરવામાં આવ્યું હતુ. આ દવાખાનામાં ડોક્ટર, કમ્પાઉન્ડર સહિતનો સ્ટાફ પણ નિમવામાં આવ્યો હતો.
30 વર્ષ પહેલા નિર્માણ પામેલા આ પશુ દવાખાનામાં રાજ્ય સરકાર દ્વારા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સ્થળ પર જ પશુઓની સારવાર કરી શકાય તે માટે ખાસ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ તે બાદ અચાનક જ ગાંધીનગરથી સરકાર દ્વારા 18-19 વર્ષ પહેલા એટલે કે 2001- 2002માં આ એમ્બ્યુલન્સની સેવાને બંધ કરી દેવામાં આવી છે.
આ અંગે પશુ દવાખાના પશુ ડોક્ટર નિમેષ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આ એમ્બ્યુલન્સ સેવાને બંધ કરી દેવામાં આવી છે. અને તાલુકામાં જ્યારે કોઈ પશુ કેમ્પ હોય અથવા તો સરકારી કાર્યક્રમ હોય. ત્યારે, એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ડોક્ટર નિમેષ પટેલના જણાવ્યા મુજબ હાલમાં એમ્બ્યુલન્સ ચાલુ છે. પરંતુ તે ખૂબ જ જૂની થઈ ગઈ હોય અને વણવપરાયેલ પડી રહેલી હોય અને ગ્રામ્ય વિસ્તારમાં દૂર સુધી લઈ જવાય તેવી નથી.
19 વર્ષથી પશુ દવાખાનાની એમ્બ્યુલન્સનો ઉપયોગ માત્ર સરકારી કાર્યક્રમમાં માટે થાય છે - umargam
વલસાડઃ ઉમરગામ તાલુકામાં જિલ્લા પંચાયત દ્વારા પશુ દવાખાનુ કાર્યરત છે. ખખડધજ ઇમારતમાં ચાલતું આ દવાખાનુ આમ તો માત્ર નામનું જ પશુ દવાખાનું છે. પરંતુ નવાઈ પમાડે તેવી વાત એ છે કે, આ દવાખાનામાં પશુઓના સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલી એમ્બ્યુલન્સ છેલ્લા 19 વર્ષથી ધૂળ ખાતી પડી છે. માત્ર પશુ કેમ્પ કે સરકારી કાર્યક્રમોમાં જ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
પશુ કેમ્પમાં કે સરકારી કાર્યક્રમમાં જ્યારે તેનો ઉપયોગ કરવાનો થાય છે. ત્યારે એમ્બ્યુલન્સમાં મેઇન્ટેનન્સ અને ડીઝલના પૈસા સરકાર ચૂકવતી આવી છે. તો એમ્બ્યુલન્સના હાલમાં કોઈ ડ્રાઈવર નથી. માટે જ્યારે પણ તેને પશુ કેમ્પમાં કે સરકારી પ્રોગ્રામમાં લઈ જવાનું આયોજન થાય છે. ત્યારે, બહારથી ડ્રાઈવરને બોલાવવામાં આવે છે.
વર્ષોથી આ એમ્બ્યુલન્સ પશુ દવાખાનામાં જ ધૂળ ખાતી પડી છે. અવાર-નવાર ડોક્ટરોએ આસપાસના વિસ્તારમાં બીમાર પશુઓની વિઝીટ માટે પણ જવાનું થાય છે. ત્યારે, જરૂરી સાધનસામગ્રી અને દવા લઈ જવામાં મુશ્કેલીનો સામનો વેઠવો પડે છે. પરંતુ વર્ષોથી આ અંગે કોઈ ચોક્કસ રજૂઆત સરકારમાં કરવામાં આવી નથી એટલે જરૂરિયાતનું સાધન ગણાતી એમ્બ્યુલન્સ બિનજરૂરી બની છે.
ઉલ્લેખનીય છે કે, એક તરફ રાજ્ય સરકાર પશુઓ માટે અને પશુધન સાચવનારા માલધારીઓ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી કરોડો રૂપિયાનું આંધણ કરી રહી છે. ત્યારે,આશા રાખીએ કે 19 વર્ષથી ધૂળ ખાતી આ એમ્બ્યુલન્સને હવે રીટાયર્ડ તો ચોક્કસ કરે. પરંતુ, તેની સામે નવી સુવિધા સજ્જ એમ્બ્યુલન્સની ફાળવણી કરે તો જ પશુ માટે અને પશુધન સાચવનારા માલધારીઓ માટે સરકારની યોજનાઓ સાર્થક થઈ ગણાશે.