આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં ચોમાસા ઋતુની શરૂઆતમાં વરસાદ વરસવાની સાથે ખરીફ પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે. તો વાવેતર થયા બાદ વરસાદે લાંબો વિરામ લીધો છે. જેને પગલે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. જેને પગલે આ સમસ્યામાંથી નિરાકરણ મેળવવા માટે ધાનપુર પંથકની આદિવાસી મહિલાઓ ધાડપાડૂ બનીને મેઘરાજા તેમજ હનુમાનજી ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા 20 દિવસથી મેઘરાજાની સવારીનું આગમન ન થયું હોવાથી જિલ્લાના નાગરિકો સહિત ખેડૂતોમાં પોતાનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. તો આ પાક નિષ્ફળ જાય તો દુષ્કાળ પડી શકે છે, આ સાથે જ પશુધનને પણ પાણી ચારાની તકલીફ પડવાની શક્યતા વધી રહી હોવાથી મેઘરાજાને મનાવવા માટે આદિવાસી પરંપરા પ્રમાણે વિધિવત્ત પૂજાઓ કરવામાં આવી રહી છે. તો ધાનપુર પંથકની જેમ જ ગરબાડા પંથકમાં પણ વરસાદ મનાવવાને માટે ગોદરા પૂજનની વિધિ કરવામાં આવી રહી છે.