દાહોદઃ માલધારી સમાજના રબારી, ભરવાડ, ચારણ સહિતની જાતિઓને અનુસુચિત જનજાતિના પ્રમાણ પત્ર આપવાના વિરોધમાં લીમખેડા મુકામે આદિવાસી સમાજે ભાજપના સાંસદ અને ધારાસભ્યના પૂતળા દહન સાથે હાય-હાયના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યો હતો.
દાહોદમાં આદિવાસીઓએ કર્યું સાંસદ અને ધારાસભ્યનું પુતળા દહન, જાણો શું છે માગ...
માલધારી સમાજને અનુસુચિત જનજાતિના પ્રમાણપત્રો આપવાના વિરોધમાં લીમખેડા મુકામે આદિવાસી સમાજ દ્વારા સાંસદ અને ધારાસભ્યનું પૂતળુ દહન કરવામાં આવ્યુ હતું.
કાઠીયાવાડ પંથકમાં વસવાટ કરતા રબારી, ભરવાડ, ચારણ, માલધારી સમાજ દ્વારા આદિવાસીના પ્રમાણપત્રો માટે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે દાહોદ જિલ્લાના આદિવાસીઓ દ્વારા ગાંધીનગર મુકામે આવેલા બિરસા મુંડા ભવન ખાતે પણ વિરોધને લઇ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. બોગસ આદિવાસી પ્રમાણપત્રો મેળવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરાઈ રહી છે. તેમજ બોગસ આદિવાસી પ્રમાણપત્રો આપવાના વિરોધમાં દાહોદ જિલ્લાના લીમખેડા મુકામે આદિવાસી સમાજના યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ વિરોધ સાથે દાહોદ મતવિસ્તારના સાંસદ જશવંતસિંહ ભાભોર અને લીમખેડા મત વિસ્તારના ધારાસભ્ય શૈલેશ ભાભોર વિરૂદ્ધ સૂત્રોચાર કરી તેમનું પૂતળાદહન પણ કરવામાં આવ્યુ હતું. પૂતળાં દહન સાથે સ્થાનિક આદિવાસીઓ દ્વારા સાંસદ અને ધારાસભ્ય સામે રોષ ઠાલવવામાં આવ્યો છે.