દાહોદ જિલ્લા પંચાયત હસ્તક જિલ્લાના 9 તાલુકાઓમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને વરસો જૂની પડતર માંગણીઓ હજી પણ ડચકા ખાતી હોવાના કારણે શિક્ષક આલમમાં રોષ ભભૂકી રહ્યો છે. સરકાર દ્વારા શિક્ષકોની પડતર માગણીઓ સત્વરે સ્વીકાર થાય તે માટે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોએ સાંજના સમયે જિલ્લા કક્ષાએ આવેલ કલેક્ટર કચેરી પાસે ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો.
દાહોદમાં પ્રાથમિક શિક્ષકોના ધરણા, આવેદન આપી પડતર પ્રશ્નોના ઉકેલની કરી માગ
દાહોદઃ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ જિલ્લાભરમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો દ્વારા તેમની પડતર માંગણીઓના સત્વરે નિકાલ માટે જિલ્લા સેવા સદન મુકામે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચીને મુખ્ય પ્રધાનને સંબોધન કરતું આવેદનપત્ર કલેક્ટરને આપ્યું હતું.
આ પડતર માંગણીઓમાં ઉચ્ચતર પગારધોરણ CCC પરીક્ષા પાસ કર્યા બાદ તારીખથી આપવા, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 4200નો પે ગ્રેડ ચાલુ રાખવા, જૂની પેન્શન યોજના તાત્કાલિક જરૂર કરવી, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકોને નુકસાન કરતી બાબતો દૂર કરવી, છઠ્ઠા પગાર પંચની અમલવારી 1/ 1/ 2016થી સમગ્ર દેશમાં સમાન રૂપે લાગુ કરવી વગેરે બાબતોને લઈને ધરણા યોજવામાં આવ્યા હતા. ત્યારબાદ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી મુકામે પ્રાથમિક શિક્ષકો પહોંચી ગયા હતા. પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપી પોતાની માંગો સત્વરે નિરાકરણ આવે તેવી રજૂઆત કરી હતી.