ચોમાસાની શરૂઆતમાં જ જંગલમાં મોરના કિલ્લોલ સાંભળીને લોકો આનંદ અનુભવતા હોય છે. પરંતુ દાહોદ જિલ્લામાં ચોમાસાની શરૂઆત બાદ સંજેલી પંથકમાં મોરના આકસ્મિક મરણનું પ્રમાણ વધ્યું છે. વાસીયા ગ્રામ પંચાયત અંદર આવેલ ચાકિસના ગામમાં છેલ્લા પખવાડિયા દરમિયાન આશરે 50 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોર મૃત્યુ પામેલી અવસ્થામાં ખેતરો અને વનમાં જોવા મળી રહ્યા છે. એકાએક રાષ્ટ્રીય પક્ષી મોરના અગમ્ય કારણોસર મોત નિપજતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
દાહોદમાં ઝેરી બિયારણ ખાઈ જતાં 50થી વધુ મોરના મોત - Death
દાહોદઃ જિલ્લાના સંજેલી પંથકમાં છેલ્લા પખવાડિયાથી રાષ્ટ્રીય પક્ષી મોરના અગમ્ય કારણોસર મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. અત્યાર સુધીમાં આશરે 50થી વધારે મોર મૃત્યુ પામ્યા છે. મુત્યુનું કારણ જાણવા માટે વન વિભાગ દ્વારા પશુ ચિકિત્સક પાસે મોરના પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યા છે. જેમાં ખોરાકી ઝેરના કારણે મૃત્યુ પામ્યા હોવાનું તારણ નીકળ્યું છે.
ત્યારે ગામના જાગૃત નાગરિકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા સંજેલી ફોરેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે જઈ મૃત્યુ પામેલા મોરને લાવી મોતનું કારણ જાણવા માટે પશુચિકિત્સકને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારે છ મોરના આકસ્મિક મૃત્યુ વિશે જિલ્લા પશુપાલન નિયામક ડૉક્ટર કે. એલ. ગોસ્વામીએ જણાવ્યું કે, ખેડૂતો દ્વારા બિયારણને દવાનો પટ આપીને વાવેતર કરતા હોય છે, જે વાવેતર કરેલા બિયારણને મોર ખાઈ જવાના કારણે ઝેરની અસર થતા મોત થયા હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. સાથે જ બીજા મોરની સારવાર કરીને મુક્ત કરવામાં આવ્યા છે.