CAB અને NRC ના વિરોધમાં દેશની રાજધાની દિલ્હી સહીત સમગ્ર દેશના અલગ-અલગ રાજ્યોમાં દેખાવ અને વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે, ત્યારે ગોધરામાં પણ આ બિલના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. બંધની અસર ગોધરા સહીત શહેરા, હાલોલ, કાલોલના લઘુમતી વિસ્તારમાં જોવા મળી હતી.
ગોધરામાં CAB અને NRC ના વિરોધમાં મુસ્લિમ સમાજે બંધ પાળ્યું - GODHARA NEWS
ગોધરા : મુસ્લિમ સમાજ દ્વારા CAA અને NRC બિલના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધના એલાનને પગલે ગોધરા, હાલોલ, કાલોલ સહિત શહેરા નગરમાં સમગ્ર લઘુમતી વિસ્તારમાં બંધની અસર જોવા મળી હતી.
ગોધરાના પોલન બજાર, સિંગ્નલ ફળીયા, સાતપુલ ગુહ્યા, મોહલ્લા વિસ્તાર, કુબા મસ્જિદ, સૈયદવાડા ગોન્દ્રા સહીત લઘુમતી વિસ્તારોમાં દુકાનો સજજડ બંધ જોવા મળી હતી. બિલના વિરોધને લઇ લઘુમતી વિસ્તારના લોકો પોતાના રોજગાર ધંધાથી અળગા રહી બંધના કાર્યક્રમમાં જોડાયા હતાં. બંધ દરમિયાન મુસ્લિમ સમાજના ધર્મ ગુરુ અને સમાજના આગેવાનોએ લોકોને શાંતિની અપીલ કરી છે.
આ તરફ બંધના એલાનને પગલે શહેરમાં કોઈપણ પ્રકારની અ ઘટીત ઘટના ન ઘટે તે માટે ગોધરા શહેર સહીતના આસપાસના વિસ્તારોમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સતત પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવી છે. સમગ્ર બંધ દરમિયાન અસામાજિક તત્વો વિવાદિત કે ઉશ્કેરણી જનક પોસ્ટ વાયરલ ન કરે તે માટે પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પણ તેની નજર રાખવામાં આવી છે.