દાહોદઃ દાહોદ જિલ્લાના ગામના રહેવાસી બે મિત્રો મોટરસાયકલ પર ખરીદી કરવા નીકળતા લાલચુ મિત્રે દેવધા ગામની સીમમાં લઇ જઇ માથામાં પથ્થર મારી અને ગળે ટૂંપો દઈ મિત્રની હત્યા કરી નાખી હતી, ત્યારબાદ તેની પાસે રહેલા દાગીના રોકડ રકમ મળી 7700 ના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ ગરબાડા પોલીસ સ્ટેશને નોંધાઈ છે.
દોસ્ત દોસ્ત ના રહા... મિત્રએ જ મિત્રની કરી હત્યા, ચલાવી લૂંટ
દેશમાં ચાલી રહેલા લોકડાઉનને કારણે ક્રાઈમનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ દાહોમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં મિત્રએ જ પૈસાની લાલચેે મિત્રની હત્યા કરી લૂંટ ચલાવી ફરાર થઈ ગયો છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગરબાડા તાલુકાના ભિલોઇ ગામના ભુરીયા ફળિયામાં રહેતા 26 વર્ષીય નરેશભાઇ ભટુભાઇ ભુરીયાને તમાકુ લઇને આવીએ તેમ કહી ભિલોઇ ગામના ડામોર ફળિયામાં રહેતા નગરસીંગ ઉર્ફે મનીષભાઈ ડામોર તેની મોટરસાયકલ ઉપર બેસાડી દેવધા ગામ તરફ ગયા હતા. દેવધા ગામની સીમમાં આવેલા પાટાડુંગરીના જંગલ વિસ્તારમાં લઇ ગયેલા અને ત્યાં નરેશભાઇ ભટુભાઇ ભુરીયાને માથાના ભાગે પથ્થરો મારી સખત ઇજા કરી તથા રૂમાલથી ગળે ટુંપો આપી તેની હત્યા કરી નાખી હતી.
નરેશભાઈએ પહેરેલી ચાંદીની કંઠી આશરે 100 ગ્રામ વજનની જેની આશરે કિંમત 2000 રૂપિયા તથા જમણા હાથે કાંડા ઉપર પહેરેલ ચાંદીનુ ભોરીયુ 250 ગ્રામ વજનનુ જેની આશરે કિંમત 5000 તથા રોકડા 700 રૂપિયા મળી કુલ 7700ની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ ગરબાડા પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે જઇ મૃતકનું પંચનામું કરી મૃતદેહને પોસ્ટમર્ટમ માટે ખસેડ્યો છે.