કરમદી ગામે સરકારી કાર્યક્રમમાં બિલકિસ બાનો કેસનો એક આરોપી સ્ટેજ પર જોવા મળ્યો દાહોદ :ગોધરા કાંડના રમખાણો બાદ દેશભરમાં બહુચર્ચિત થયેલો બિલકિસ બાનો કેસના 11 દોષિતને સરકાર દ્વારા ગત વર્ષે મુક્ત કરવામાં આવ્યા હતા. જે પૈકી એક દોષિત લીમખેડા મુકામે યોજાયેલા સરકારી કાર્યક્રમના સ્ટેજ પર સાંસદ જસવંત ભાભોર અને MLA શૈલેષ ભાભોર સાથે જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો છે. બિલકિસ બાનો કેસના મુક્ત થયેલા 11 દોષિતો સામે ફેરવિચારણા માટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ થનાર છે.
શું હતો કાર્યક્રમ : દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના કરમદી ખાતે કડાના બલ્ક પાઇપલાઇનના આધારિત 101.89 કરોડના લીમખેડા જૂથ પાણી પુરવઠા યોજનાનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ સરકારી કાર્યક્રમ દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના સ્ટેજ પર દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર સાથે બહુચર્ચિત બિલકિસ બાનો કેસના 11 દોષિત થયેલા આરોપીઓ પૈકી શૈલેષ ચીમનલાલ ભટ્ટ સ્ટેજ પણ સાથે જોવા મળતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
આ પણ વાંચો :બિલ્કિસ બાનોના ગુનેગારોનું સ્વાગત કરવું તે ગુજરાતના સંસ્કાર નથી: જીગ્નેશ મેવાણી
સાત સભ્યોની હત્યા : ઉલ્લેખનીય છે કે, બહુચર્ચિત બિલ્કીશ બાનો કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવતા 11 જણાને ગત વર્ષના સ્વતંત્રતા દિવસે મુક્ત કરવામાં આવ્યા હતા. આ 11 જણાને કોર્ટ દ્વારા બિલ્કીસ બાનો પર ગેંગરેપ કરવા અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. માર્યા ગયેલાઓમાં ત્રણ વર્ષની પુત્રીનો પણ સમાવેશ થાય છે. આ દોષિતોને સરકાર દ્વારા મુક્ત કરવામાં આવતા દેશભરમાં આક્રોશનું ઘોડાપુર આવ્યું હતું. જેના કારણે સુપ્રીમકોર્ટમાં બિલકિસ બાનો અને અન્ય લોકો દ્વારા આજીવન કારાવાસના 11 આરોપીઓની મુક્તિ સામે ફેરવિચારણા માટે અરજી કરવામાં આવી હતી.
આ પણ વાંચો :બિલ્કીસ બાનો કેસ રિવ્યુ પિટિશન: જસ્ટિસ બેલા ત્રિવેદીએ સુનાવણીમાંથી પોતાને અલગ કર્યા
દોષિતોને નિર્દોષ છોડવાનો નિર્ણય : સર્વોચ્ચ અદાલત દ્વારા બિલકિસ બાનો ગેંગરેપના 11 દોષિતોને નિર્દોષ છોડવાના નિર્ણયને પડકારતી અરજીઓની સુનાવણી માટે નવી બેંચની રચના કરી છે. જસ્ટિસ કે એમ જોશેફ અને જસ્ટિસ બી.વી. નાગરત્નની બેંચ 27 માર્ચના રોજ આ 11 દોષિતોને નિર્દોષ છોડવાના નિર્ણય સામે સુનાવણી કરવાના છે. ચીફ જસ્ટિસ ચંદ્રચૂંડે 22 માર્ચે અરજીઓની તાકીદે સૂચિ બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કરમદી ખાતે કડાના બલ્ક પાઇપલાઇનના સરકારી કાર્યક્રમમાં સાંસદ જસવંત ભાભોર અને ધારાસભ્ય શૈલેશ ભાભોર સાથે ઉપસ્થિત રહેલા શૈલેષ ચીમનલાલ ભટ્ટના ફોટા તેમના સાંસદ જશવંતસિંહ ભાભોરના ટ્વિટર એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યા હતા.