દાહોદઃ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા લેવાનો આરંભ કરવામાં આવ્યો છે. ધોરણ 10ની પરીક્ષા દાહોદ જિલ્લાના કુલ 17 ઝોનમાં 810 બ્લોકમાં 41,460 પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બોર્ડ દ્વારા દાહોદ જિલ્લાના ચાર પરીક્ષા કેન્દ્ર સંવેદનશીલની યાદીમાં મુકવામાં આવ્યા છે.
દાહોદમાં ગેરરીતિ ડામવાની સજ્જડ વ્યવસ્થા સાથે બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, 4 કેન્દ્ર સંવેદનશીલ
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજથી શરૂ થયેલી પરીક્ષાઓમાં દાહોદ જિલ્લાના ધોરણ 10ના 41,460 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 20,030 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. બોર્ડ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની નજર હેઠળ પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ધોરણ-10ની પરીક્ષામાં લીમખેડા ઝોનના 15 કેન્દ્રના 572 બ્લોકમાં 1160 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે, જ્યારે ધોરણ 12 ના પરીક્ષા કેન્દ્રના ૫૭૯ બ્લોકમાં કુલ 17370 વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12વિજ્ઞાન પ્રવાહના 2660 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે.
પરીક્ષા સમયના એક કલાક પહેલાંથી પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓ સાથે વાલીઓએ આવેલા જોવા મળ્યાં હતાં. પરીક્ષા કેન્દ્રોની બહાર શાળા પરિવાર દ્વારા પરીક્ષાર્થીઓને કુમકુમનો ચાંદલો કરી ફૂલ આપી પરીક્ષાની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.