સેલવાસ : સંઘપ્રદેશમાં નરોલી વિસ્તારમાં આવેલી ભિલોસા કંપનીમાં કોન્ટ્રાકટ પર કામ કરતા કામદારોએ પગારને લઈને અને વતન જવાની જીદને લઈને હોબાળો મચાવ્યો હતો. હાલમા કંપનીમા પ્રોડક્શન બંધ હોવાને કારણે આ લોકોને કામ પર બોલાવવામા નથી આવતા. આ સાથે કામદારોને ગત માસનો પગાર પણ ચૂકવાયો નથી. જ્યાં રહે છે તે રૂમના માલિકો પણ ભાડુ માગી રહ્યા છે.
સેલવાસમાં શ્રમિકોનો આક્રોશ, પોલીસે કર્યો લાઠીચાર્જ
લોકડાઉનમાં વતન જવાની જીદમાંં સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં આવેલી ભીલોસા કંપનીના કામદારોએ રસ્તા ઉપર આવી પોતાનો આક્રોશ ઠાલવતા સંઘપ્રદેશ પોલીસે લાઠીચાર્જ કરી પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં કેટલાક મજૂરો પોલીસની લાઠીના મારનો ભોગ બન્યા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ વાહનોમાં તોડફોડ કરતા ભાગદોડ મચી ગઇ હતી.
શ્રમિકોનો આક્રોશ
ઉલ્લેખનીય છે કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસન એક તરફ લોકડાઉનમાં હજારો શ્રમિકોને વેતન ચૂકવાયું હોવાની ગુલબાંગ પોકારી રહ્યું છે, ત્યારે મંગળ-બુધવારની ઘટના સામે આવ્યા બાદ પ્રશાસનના આ દાવા પોકળ હોવાનું અને કામદારો વતન જશે તો ઉદ્યોગો ઠપ્પ થશે તેવી દહેશત વચ્ચે શ્રમિકોને વતન જતા રોકવા ઝુલ્મ પર ઉતર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.