- 5માં માળેથી નીચે પટકાયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત
- આમલી વિસ્તારના હોરિઝોન ટાવરમાં રહેતી હતી પરીણિતા
- પતિ દુબઈમાં નોકરી કરતો હોવાથી બાળક સાથે એકલી રહેતી હતી
સેલવાસમાં 5માં માળેથી પટકાયેલી પરીણિતાનું સારવાર દરમિયાન મોત - Suicide in Silvasa
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના આમલી વિસ્તારમાં એક પરીણિતાએ 5માં માળેથી જંપલાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેણીને સારવાર માટે સેલવાસ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સેલવાસ પોલીસે આ અંગે અકસ્માત મોતની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સેલવાસ: આમલી વિસ્તારમાં આવેલા હોરિઝોન ટાવરનાં પાંચમા માળે સુનિતા થાપા નામની મહિલા પોતાના બાળક સાથે રહેતી હતી. રવિવારે સુનિતાએ પોતાના ફ્લેટમાંથી જમીન પર પડતું મૂક્યા બાદ ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. જેનું સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. મૃતક પરીણિતાનો પતિ દુબઈમાં નોકરી કરતો હોવાથી તે અહીં 5 વર્ષના બાળક સાથે એકલી રહેતી હતી.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
રવિવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર સુનિતાએ પોતાના ઘરની બાલ્કનીની ગ્રીલ ખોલીને અચાનક નીચે કૂદકો મારી દીધો હતો. પાંચમા માળેથી જમીન પર પડતા ગંભીર શારિરીક ઇજાઓ સાથે સોસાયટીના લોકો દ્વારા સેલવાસની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણીનું મોત નિપજ્યું હતું. પરીણિતાનું આત્મહત્યા કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.