કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને વલસાડમાં શુક્રવારથી ચોમાસુ ફરી સક્રિય થયું છે. વલસાડ જિલ્લામાં તમામ તાલુકામાં સાર્વત્રિક અડધાથી અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે દાદરા નગર હવેલી અને દમણમાં એક એક ઇંચ વરસાદ વરસ્યો છે.
સેલવાસ, દમણ અને વલસાડમાં ઝંઝાવાતી પવન સાથે 2.5 ઈંચ વરસાદ
શનિવારે સવારે ભારે પવન સાથે વરસાદ વરસતાં મોટી દમણના કિલ્લા વિસ્તારમાં એક ઝાડ ધરાશાઈ થયું હતું. જેને કારણે વીજ વિક્ષેપ સર્જાયો હતો. જો કે, કોઈ મોટી જાનહાની થઈ નહોતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર અને વીજ વિભાગને જાણ કરતા ઝાડ હટાવી, વીજ પુરવઠો યથાવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે પવનને કારણે વાપી તાલુકામાં અને ઉમરગામ તાલુકામાં પણ જુના ઝાડ ધરાશાઈ થયા હોવાની વિગતો મળી હતી. સેલવાસના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતાં મધુબન ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યાં છે. સેલવાસમાં અને ખાનવેલમાં એક એક ઇંચ વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો યથાવત રહ્યાં છે. મધુબન ડેમની જળસપાટી હાલ 73.20 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી 64380 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ડેમનું રુલ લેવલ ઝાળવવા 49066 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. દાદરા નગર હવેલીના સેલવાસમાં અત્યાર સુધીમાં કુલ 57 ઇંચ અને ખાનવેલમાં 62 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડ જિલ્લાના વલસાડમાં 43 ઇંચ, કપરાડા 53 ઇંચ, ધરમપુર 45 ઇંચ, પારડી 45 ઇંચ, વાપી 55 ઇંચ અને ઉમરગામમાં 45 ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. મધુબન ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે દમણગંગા નદી ગાંડીતુર બની છે. પાણીનો ધસમસતો પ્રવાહ દમણગંગા વિયરને છલકાવી ઉછાળા ભેર દમણના દરિયામાં વહી રહ્યો છે.