છોટાઉદેપુર:બોડેલી તાલુકાના કુકણા ગામે રહેતા બળાત્કારના એક આરોપીને બોડેલી છોટાઉદેપુર એડિશનલ સેશન્સ કોર્ટે 10 વર્ષની સખત કેદ અને 20 હજારના દંડ સાથે પીડિતાને 4 લાખ રૂપિયા વળતર ચુકવવાનો આદેશ કર્યો છે.
બળાત્કારના આરોપીને કોર્ટે ફટકારી 10 વર્ષની સખત કેદ સાથે 20 હજારનો દંડ, પીડિતાને 4 લાખનું વળતર આપવાનો આદેશ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુકણા ગામે રહેતા હાર્દિક નામના બળાત્કારના આરોપીને બોડેલી છોટાઉદેપુર એડિશનલ સેશન્સ કોર્ટે 10 વર્ષની સખત કેદ અને 20 હજારના દંડ સાથે પીડિતાને 4 લાખ રૂપિયા વળતર ચુકવવાનો આદેશ કર્યો છે.
Published : Dec 15, 2023, 12:09 PM IST
આરોપીને 10 વર્ષની કેદ: કોર્ટમાંથી મળતી માહિતી અનુસાર 12 ઓક્ટોબર 2021ના રોજ બોડેલી તાલુકાના જબુગામની યુવતીને બળજબરી પૂર્વક કુકણા ગામનો હાર્દિક બાબુભાઈ નામનો આરોપી ઉપાડી ગયો હતો અને એક ખેતરમાં લઈ જઈને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગેનો કેસ બોડેલી છોટાઉદેપુર એડિશનલ સેશન કોર્ટમાં ચાલી જતા આરોપીને સખત ફટકાર લગાવવામાં આવી છે. કોર્ટમાં આરોપી વિરૂધ્ધ મજબૂત પુરાવા અને સરકારી વકીલ રાજેન્દ્ર પરમારની ધારદાર દલીલોને માન્ય રાખીને કોર્ટે આરોપીને દોષી ઠેરવ્યો છે. છોટાઉદેપુર બોડેલી એડિશનલ સેશન્સ કોર્ટના મેજિસ્ટ્રેટ અંદલિત તિવારીએ બળાત્કારના આરોપી હાર્દિકને દસ વર્ષની સખત કેદ તથા 20 હજાર રૂપિયા દંડ તેમજ પીડિતાને ચાર લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે.
શું હતી સમગ્ર ઘટના: સરકારી વકીલ રાજેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે, કુકણા ગામના આરોપીએ યુવતીને બળ જબરીથી ખેતરમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે પીડિતાની બહેન પણીએ પીડિતાની માતાને ફોન કરી સમગ્ર હકીકત જણાવી હતી જેને પગલે પીડિતાની માતા ઘટના સ્થળે આવી પહોંચ્યાં હતાં અને આરોપી વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. હવે આ મામલો કોર્ટમાં પહોંચતા કોર્ટે પણ બળાત્કારના આરોપી સામે આકરૂ વલણ દાખવ્યું છે. કોર્ટે આરોપી વિરૂદ્ધ મજબુત પુરાવાને જોતા અને સરકારી વકીલોને ધ્યાનમાં લેતા આરોપીને 10 વર્ષની સખત કેદ ફટકારી છે. સાથે કોર્ટે 20 હજાર રૂપિયાનો દંડ અને ભોગ બનનાર પીડિતાને 4 લાખ રૂપિયા વળતર પેટે ચુકવાનો આદેશ આપ્યો છે.