કલોલ તાલુકાના મુબારકપુર ગામમાં રહેતાં સલમાન લુહાર પાસે પોતાની માલિકીની ઝેન કાર છે, જેનો આરટીઓ કચેરીમાં નોંધાયેલો રજીસ્ટ્રેશન નંબર GJ 18 A 9096 છે. ત્યારે આ નંબર એક ખાનગી ટ્રાવેલ્સ ઉપર લગાવેલો જોવા મળે છે. ટ્રાફિક પોલીસના લગાવેલા સીસીટીવી દ્વારા ટ્રાવેલ્સ દ્વારા ટ્રાફિકના નિયમનો ભંગ કરવાને લઈને ઓનલાઇન મેમો ફટકારવામાં આવ્યો હતો. ટ્રાવેલ્સ માલિક કારનો નંબર લગાવીને ફરી રહ્યો છે. તે બાબત મેમો આપ્યા બાદ ખબર પડી કે મેમો ટ્રાવેલ્સને આપવામાં આવ્યો છે. પરંતુ તે મેમોમાં ફોટો ટ્રાવેલ્સનો છે. મેમો આ નિયમનો ભંગ નથી કર્યો તેવા નિર્દોષ કાર માલિકના ઘરે પહોંચ્યો છે.
કારનો નંબર ટ્રાવેલ્સ ઉપર લાગ્યો, મેમો મળતાં હકીકત આવી બહાર - GDR
ગાંધીનગર: રાજ્યમાં ટ્રાવેલ્સ માલિકો અને ટ્રાન્સપોર્ટ માલિકો પાસે એક કરતાં વધુ સંખ્યામાં વાહનો હોય છે. પરિણામે આરટીઓને ટેક્સ ન ભરવો પડે તે માટે આરટીઓ અધિકારીઓ સાથે સાંઠગાંઠ રાખીને સરકારને વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સનો ચૂનો લગાવતા હોય છે. જેની લાંચ આરટીઓ અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને લેતા હોય છે. આ જ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગર પાસેના એક ગામમાં રહેતા કારમાલિકનો નંબર ટ્રાવેલ ઉપર જોવા મળ્યો છે. ત્યારે ટ્રાવેલ્સ માલિકની દાદાગીરી કે આરટીઓ અધિકારીઓની મિલીભગતથી ચાલતું ટેક્સ ચોરીનું કૌભાંડ છે તે તો તપાસ કર્યા બાદ જ ખ્યાલ આવી શકે છે.
ટ્રાવેલ્સ શ્યામલ ચાર રસ્તાથી 16 મે ના રોજ પસાર થઇ હતી. ત્યારે સીસીટીવી કેમેરા દ્વારા મેમો ફટકારવામાં આવ્યો છે. જ્યારે 9096 નંબરની કાર તે દિવસ અને તેના પહેલા અને તેના પછી પણ ઘરે જ રાખવામાં આવી રહી છે. તેનો ઉપયોગ નહિવત પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે સવાલ એ થાય કે ટ્રાવેલ્સ પાસે કારનો નંબર આવ્યો કેવી રીતે ? રાજ્યમાં વાહનચેકીંગનું તપાસ કરતાં આરટીઓ અધિકારીઓ અને ટ્રાફિક પોલીસના કર્મચારીઓ કેવી તપાસ કરી રહ્યા છે ? કે પછી આરટીઓ અધિકારીઓ અને ટ્રાફિક પોલીસના અધિકારીઓની મિલીભગતથી ખોટા નંબર લગાવીને ટેક્સ બચાવવાનું અને સરકારની તિજોરીને ચુનો લગાવવાનું કામ કરવામાં આવી રહી છે ?.
ખોટો નંબર લગાવીને ટેક્સ ચોરી કરતા ટ્રાવેલ્સ માલિક સામે ગુન્હો દાખલ કરવામાં આવશે કે કેમ તે પણ હાલ તો એક સવાલ જ છે. ટ્રાવેલ્સ અને ટ્રાન્સપોર્ટ માલિકો કરોડો રૂપિયાનો ટેક્સ બચાવવા આ પ્રકારના કૌભાંડ કરતા હોય છે તે અગાઉ પણ અનેક વખત સામે આવ્યુ છે. ટુ-વ્હીલર લઈને જતા ચાલકના માથે હેલ્મેટ ન હોય કે પછી લાયસન્સ ન હોય તો ટ્રાફિક પોલીસ પોતાનું ગરાસ લૂંટાઈ ગયું હોય તે પ્રકારનો વ્યવહાર કરતો હોય છે. ત્યારે વર્ષે એક વખત પણ આ પ્રકારના ટ્રાવેલ્સના ચેકિંગ હાથ ધરતી નહીં હોય ?. તે એક મોટો સવાલ છે.