વિધાનસભા બેઠકના સમયમાં કરાયેલા ફેરફાર સંદર્ભે વિક્રમ માડમે જણાવ્યું હતું કે, આજે સવારમાં દુઃખદ સમાચાર સાંભળવા મળ્યા. અધ્યક્ષનો નિર્ણય આખરી હોય છે અને અધ્યક્ષનાં નિર્ણયનું સન્માન કરવું જોઈએ અને હું પણ તેમનું સન્માન કરું છું. અધ્યક્ષનાં નિર્ણયની કોઈ ટીપ્પણી ન હોય પરંતુ એક સારી વ્યવસ્થા ગુજરાતમાં ઊભી થઇ હતી. આખો દેશ સવારમાં ઉઠીને કામે લાગી જતો હોય, પાર્લામેન્ટ પણ 11 વાગ્યે શરૂ થઈ જતી હોય છે. ત્યારે ભૂતકાળમાં વિધાનસભાનું કાર્ય 12 વાગ્યે શરૂ થતું હતું, જ્યારે હું ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યો ત્યારે બધા સભ્યો સાથે ચર્ચા કરીને એક માહોલ ઊભો કરી સમયમાં ફેરફાર કરાવ્યો હતો.
અધ્યક્ષના નિર્ણયનું સન્માન કરું છું પરંતું સત્રમાં સમય ફેરફાર યોગ્ય નથી : વિક્રમ માડમ
ગાંધીનગર: વિધાનસભામાં ચોમાસાનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે હવે એક અઠવાડિયા જેટલો સમય બાકી છે. પરંતુ અધ્યક્ષ દ્વારા આ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે વિરોધ પક્ષમાં સમયના ફેરફારને લઈ કચવાટ જોવા મળી રહ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, દુઃખ સાથે મારે કહેવું પડે છે કે, વિધાનસભાના સમયમાં કરેલા ફેરફારનો નિર્ણય ખોટો છે. અધ્યક્ષે જ કહ્યું હતું કે, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની મંજૂરીથી આ સમયના ફેરફાર કર્યો છે તો તમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી? તે અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા વિક્રમ માડમે જણાવ્યું હતું કે, મેં અમારા પાર્ટીના પ્રમુખ સાથે પણ વાત કરી અને પરેશભાઈ ધાનાણીએ પણ તમામ ધારાસભ્યોને વિશ્વાસમાં લઈને મંજૂરી આપવી જોઈએ. ૭૦ ધારાસભ્યોને વિશ્વાસમાં લીધા વિના જો તેમણે આ નિર્ણય લીધો હોય તો પરેશભાઈ ધાનાણીનો નિર્ણય પણ ખોટો છે તેમ તેમણે ઉમેર્યું હતું.