- બોટાદ જિલ્લાના રાણપુરમાં સ્વૈચ્છિક લોકડાઉન
- તમામ વેપાર-ઉદ્યોગો તેમજ ધંધા-દુકાનો રહ્યા બંધ
- 13 અને 14 એપ્રિલ 2 દિવસ રહ્યું લોકડાઉન
બોટાદ: રાણપુરમાં વધતા જતા કોરોના કેસને પગલે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી તમામ વેપાર-ઉદ્યોગો બંધ રાખવામાં આવ્યા હતા. શહેરની તમામ દુકાનો પણ જડબેસલાક બંધ રાખવામાં આવી હતી. કોરોનાનું સંક્રમણ રોકવા માટે ગ્રામ પંચાયત દ્વારા બે દિવસ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જો આગામી દિવસોમાં વધુ લોકડાઉનની જરૂર પડશે તો તમામ લોકો આ અંગે પંચાયતને સમર્થન આપશે તેવું ગામલોકોએ જણાવ્યું હતું.
2 દિવસમાં 65 પોઝિટિવ કેસ નોંધાયા
બોટાદ જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસમાં કોરોનાના 65 પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે ત્યારે રાણપુર શહેર કે જ્યાં આજુબાજુના 40થી વધુ ગામડાના લોકો ખરીદી માટે આવતા હોય છે, ત્યાં હાલમાં કોરોના કેસની ચેન તોડવા માટે રાણપુર ગ્રામ પંચાયત અને વેપારી એસોસિએશન દ્વારા 13 અને 14 એપ્રિલ એમ બે દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે મંગળવારે રાણપુર શહેરની તમામ દુકાનો સજ્જડ બંધ રહી હતી અને વેપારીઓએ સ્વેચ્છાએ પોતપોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા.