આ આવેદનપત્ર આપવા માટે બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ સભ્યો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. તેમજ ભાજપ વિરોધી નારા લગાવી વિરોધ પણ પ્રદર્શિત કરી વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માગણી કરી હતી.
ક્લાર્કની ભરતીમાં અભ્યાસની લાયકાત બદલતા બોટાદ જિલ્લા કોંગ્રેસ સમીતિએ કલેકટરને આપ્યું આવેદનપત્ર
બોટાદઃ હાલમાં જ ગુજરાત સરકાર ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા ક્લાર્કની ભરતી પરીક્ષા રદ કરી અભ્યાસની લાયકાત બદલી નાખવામાં આવી છે. જેથી હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમય બની ગયા છે. આ નિર્ણયના વિરોધમાં મંગળવારે બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી બિન સચિવાલય ક્લાર્કની ભરતી માટેની પરીક્ષા અચાનક રદ કરીને આશરે ૧૦ લાખથી વધુ શિક્ષિત બેરોજગારોની મહિનાઓની મહેનત, સમય અને નાણા ઉપર પાણી ફેરવી દેવામાં આવ્યું છે. તદ્ઉપરાંત ધોરણ 12ની જગ્યાએ સ્નાતક કક્ષાની લાયકાત કરી નાખતા લાખો બેરોજગાર યુવાનોના ભવિષ્ય પર પ્રશ્નો ઊભા કરી દીધા છે. આ નિર્ણયથી શિક્ષિત બેરોજગાર યુવાનોની સમસ્યાઓને વાચા આપવા અને તેમને ન્યાય આપાવવા માટે કોંગ્રેસ દ્વારા જિલ્લા કક્ષાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.