ભાજપ શાસિત મહાનગરપાલિકા તંત્રની નીતિ અખત્યાર કરી છે. ભાવનગર મહાનગર પાલિકાએ નવા નાણાંકીય વર્ષની શરૂઆતથી ભાવનગર શહેરમાં ધંધો-રોજગાર કરતા વેપારીઓ પર અલગ-અલગ શિર્ષક તળે કમરતોડ વેરાવધારો ઝીંક્યો છે. આ વેરા વધારાના કારણે હાલત એવી થઈ છે કે, હાલ GST અને નોટબંધીના કારણે ધંધો નથી અને આ કમરતોડ વધારાના કારણે વેપારીઓની હાલત પડ્યા પર પાટું જેવી થઇ છે. જોકે આના વિરોધમાં વેપારી એસોસિયેશન દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ મ્યુનિસિપલ તંત્ર તે અંગે કોઈ ગંભીરતાના દાખવતા ચૂંટણી સમયે જ ભાવનગરના વેપારીઓએ વિરોધ પ્રદર્શિત કર્યો છે.
ભાવનગરમાં વેપારીઓએ મહાનગરપાલિકા વિરૂદ્ધ માંડ્યો મોરચો - protest
ભાવનગર: રાજ્યમાં ચોતરફ વિકાસની હરણફાળ વચ્ચે ભાવનગર શહેર ઔદ્યોગિક રીતે સતત ભાંગી રહ્યું છે, તેવામાં ધંધા-રોજગાર પણ નથી. ત્યારે પોતાની રોજીરોટી કમાતા નાના અને મધ્યમ કદના વેપારીઓ પર ભાવનગર મહાનગર પાલિકાએ નવા નાણાંકીય વર્ષથી કમરતોડ વધારો ઝીંકતા ભાવનગરના મેયરના વોર્ડમાં જ વેપારીઓએ ચૂંટણી સમયે વિરોધ પ્રદર્શનનો સૂર આલાપ્યો છે અને બેનરો લગાવીને વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે.
જો કે, ભાવનગર મહાનગરપાલિકાના મેયરે તાબડતોબ અધિકારીઓ અને વેપારી એસોસિયેશન સાથે મીટીંગ યોજી આ અંગે પુન:વિચાર કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે, હાલ લોકસભા ચૂંટણી માથે છે, તેવા સંજોગોમાં જ મેયરના મતવિસ્તારમાં વેપારીઓએ ચૂંટણી બહિષ્કાર સહિતના આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. સાથે જ બેનર લગાવતા ભાજપમાં પણ હડકંપ મચી ગયો છે અને પ્રદેશ કક્ષાએથી આ વેપારીઓની માંગણી સંતોષવા માટેના આદેશો થતાં ભાવનગર મહાનગર પાલિકા તંત્ર અને ભાજપ શાસનના શાસકોએ સામૂહિક રીતે આ વિવાદને થાળે પાડવા પ્રયત્નો હાથ ધર્યા છે.