ગણપતિ દાદાના અષ્ટવિનાયક મંદિરમાં દાનપેટીની ચોરી ભાવનગર: સમગ્ર રાજ્યમાં મંદિરોને નિશાન બનાવતી ટોળકીને હાલમાં જ ભાવનગર પોલીસે ઝડપી પાડી છે. ત્યારે ફરી ભાવનગર શહેરમાં આવેલા સુપ્રસિદ્ધ અને પ્રખ્યાત કાળિયાબીડના ગણપતિ દાદાના મંદિરમાં દાનપેટીની ચોરીની ઘટના બની છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ મંદિરના પૂજારી દ્વારા અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આખી દાનપેટી ગુમ: ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલું અષ્ટવિનાયક મંદિરમાં 29 તારીખના રોજ રાત્રે નિયમિત પ્રમાણે પૂજારી કિશનભાઇ મહેતા મંદિર બંધ કરીને 8:30 કલાકે પોતાના ઘરે પહોંચી ગયા હતા. જો કે ત્યારે મંદિરમાં આગળની જાળીને ખુલ્લી રાખવામાં આવતી હોય છે. જેનું કારણ સવારમાં વહેલા આવતા દર્શનાાર્થીઓને કારણે આ જાળી ખુલ્લી રખાતી હોય છે. પરંતુ 30 તારીખની વહેલી સવારે કિશનભાઇને ફોન આવ્યો કે મંદિરમાં ચોરી થઈ છે. આથી તેઓ વહેલી સવારે ઊઠીને મંદિરે આવીને જોતા ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું તેમ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો:Surat Crime : વડોદરાથી સુરતમાં મંદિરોમાં હાથ ફેરો કરીને ફરાર થતાં શખ્સો ઝડપાયા
CCTV કેમેરામાં કેદ થઈ ચોરીની ઘટના:કાળિયાબીડના અષ્ટવિનાયક મંદિરમાં મોડી રાત્રે 2:48 કલાક બાદ અજાણ્યા બે શખ્સો પ્રવેશ કરીને દાન પેટી ચોરીને જતા હોવાનો સીસીટીવી સામે આવ્યો છે. CCTVમાં રાત્રે 2:48 કલાકે બે શખ્સો મંદિરમાં પ્રવેશ કરીને આખી દાન પેટી ઊંચકીને લઈ જતા નજરે પડે છે. આ સાથે મંદિરમાં રહેલી તિજોરીને પણ ખૂંખોળતા હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે. ચોરીના બનાવ બાદ પૂજારી કિશનભાઇ મહેતાએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બે શખ્સો સામે મંદિરની જાળીનો નકૂચો તોડીને પ્રવેશ કરી દાનપેટી ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે.
પૈસા ચોરીને ચોરો ફરાર:અષ્ટવિનાયક મંદિરમાં દાનપેટી ચોરીને બે શખ્સો મંદિરથી થોડે દૂર લઈ જઈને તેમાંથી દાનપેટીમાં રહેલી દરેક રકમ કાઢી લીધી હતી. દાનપેટીને ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા. જો કે દાન પેટી પણ મળી આવી હોવાનું પૂજારી કિશનભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે. જો કે સમગ્ર ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:Bhavnagar Crime : રાજ્યના 51 મંદિરોમાં 11 વર્ષથી ચોરીનો હાથ ફેરો કરનાર ત્રિપુટી ઝડપાઈ
એફએસએલ, ડોગ સ્કવૉડની મદદ: ત્યારે નિલમબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ પી ડી પરમારએ જણાવ્યું હતું કે શંકાસ્પદ લાગતા શખ્સો જે પહેલા પકડાય ગયા હોય એમની પુછપરછ ચાલુ છે. આસપાસના CCTV કેમેરા વગેરે ચેક કરવામાં આવી રહ્યા છે. એફએસએલ, ડોગ સ્કવૉડની મદદ લેવામાં આવી રહી છે અને વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.