ભાવનગરઃ "સબકા સાથ સબકા વિકાસ" ના સૂત્ર સાથે કાર્યરત સરકારનો વિકાસ ભાવનગરના ઉમરાળા તાલુકામાં થાકીને ઉભો રહી ગયો હોય તેવો અહેસાસ અહીના ગ્રામજનો કરી રહ્યા છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ગંગાસતીના સમઢિયાળા ગામે કોઝ વે તુટી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લગભગ 20 જેટલા ગામોથી જોડાયેલા આ રસ્તા પર લોકોને જીવના જોખમે પસાર થવું પડે છે. થોડા દિવસો પૂર્વે આ કોઝ વે પરથી પસાર થતી વખતે વાલ્મીકિ સમાજના એક આધેડે જીવ પણ ગુમાવ્યો છતાં તંત્ર હજી ઉદાસીન બની તમાશો જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
ભાવનગરના સમઢીયાળાના કોઝ-વેનુ કામ ગોકળગતિએ, લોકો જીવના જોખમે અવર-જવર કરવા મજબુર
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ગંગાસતી સમઢીયાળા ગામનો કોઝ-વે ત્રણ વર્ષ પૂર્વે તૂટી ગયો હતો. આ પુલને નવી ઉંચાઈ સાથેના નિર્માણ કર્યાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 20 ગામના લોકોની અવરજવર ધરાવતો આ પુલનું નિર્માણ કાર્ય 3 વર્ષે પણ અધરું છે. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગોકળગતિએ ચાલતા આ પુલના કામને કારણે લોકોને જીવના જોખમે પાણીમાંથી પસાર થઇ અવરજવર કરવી પડી છે. ત્યારે ગ્રામજનો વહેલીતકે આ પુલનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
ગંગાસતી અને પાનબાઈના પવિત્ર ધામમાં હજારો લોકો દર્શન કરવા આવે છે, 3 વર્ષથી કોઝ વે તુટી ગયો છે ત્યારે વરસાદી સિઝનમાં જનતાને ખુબ જ પરેશાની ભોગવવી પડે છે. ત્રણ વર્ષથી પુલનું કામ શરૂ છે પરંતુ ગોકળગાયની ગતિએ ચાલી રહેલા પુલની કેટલી રાહ જોવી પડશે તેવું ગ્રામજનો પૂછી રહ્યા છે.
વિકાસના કામોમાં થતી ઢીલાશ એટલેકે ગોકળગતિએ ચાલતા કામોથી લોકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. નેતાઓ તૈયાર થયેલા કામોના લોકર્પણમાં એટલેકે રીબીન કાપવામાં જેટલા તત્પર હોય છે એટલી જ તત્પરતા જો થઇ રહેલા કામોને પૂર્ણ કરાવવા તરફ દાખવે તો સાચા અર્થમાં વિકાસની ગાડી પુર ઝડપે દોડી શકે છે અને જેમાં લોકોનો પણ પુર ઝડપે વિશ્વાસ સાથેનો પ્રેમ સામેલ થઇ શકે છે.