ભાવનગરઃ શહેરમાં લોકડાઉન બાદ અનલોક 1 અને 2માં શાળાઓ હજૂ બંધ રાખવામાં આવી છે. આગામી 3 માસ સુધી સરકાર દ્વારા શાળાઓ નહીં ખોલવાના આદેશ કર્યા છે. 3 માસ સુધી કોઈ પણ શાળાઓએ ફી માંગણી કરવાની નથી તેવી સ્પષ્ટ સૂચનાઓ હોવા છતાં લોકડાઉનમાં આર્થિક રીતે પીસાતી પ્રજાના માથે શાળાઓ દ્વારા યેનકેન રીતે દબાણ કરીને ફી માગવામાં આવી રહી છે.
શાળાઓએ ફી લેવા માટે ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ કર્યો છે, જેના આધારે શિક્ષણ આપ્યા બાદ શાળાઓ ફી માગી રહી છે. એક તરફ ધંધા રોજગાર અને નોકરિયાતોને પગાર કપાત સુધીની હાડમારી સહન કરવી પડી રહી છે. આવી સ્થિતિમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને શાળાઓની મસમોટી ફી કેમ ભરવી મોટો પ્રશ્ન બની જાય છે.
વાલીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, ફી નહીં ભરો તો શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ નહીં આપીએ અને તમારા બાળકનું ભવિષ્ય અંધકારમય બની જશે. આવી સ્થિતિમાં હજૂ સરકાર પોતાના મુખેથી એમ નથી કહ્યું કે, ત્રણ માસ બાદ પણ ફી માફ કરવામાં આવશે. આવી પરિસ્થિતિમાં અંતે ગુજરાત વાલી એકતા મંડળ મેદાનમાં આવી ગયું છે.
ભાવનગરના વાલી એકતા મંડળએ સોમવારે બહુમાળી ભવન ખાતે આવેલી શિક્ષણ અધિકારીની કચેરી ખાતે વિરોધ વ્યક્ત કરીને આવેદન આપ્યું હતું. વાલીઓ દ્વારા આવેદનપત્ર આપીને સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે, ત્રણ મહિના સરકારના જણાવ્યા છતા યેનકેન રીતે ફી માંગવામાં આવી રહી છે.
આ સાથે હાલ આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી દરેક મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી 6 માસ માટે ફી માફી આપવી જોઈએ. જેને લઈને સોમવારે ભાવનગર શિક્ષણ અધિકારીને આવેદન પાઠવીને માંગણી કરવામાં આવી છે.
શાળાઓ દ્વારા ફી માંગણી યેનકેન રીતે કરવામાં આવી રહી છે. તેવી શાળાઓ સામે સરકાર દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી તપાસ કરીને કરવામાં આવે તેવી માંગણી પણ ગુજરાત વાલી મંડળ દ્વારા કરવામાં આવી છે.
ફી બાબતે વાલીઓને જાગૃત કરવા NSUIએ ઝુંબેશ શરૂ કરી
પોરબંદરઃ કોરોનાની મહામારીમાં મોંઘવારીએ પણ માઝા મૂકી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ સ્કૂલોનું શિક્ષણ કાર્ય બંધ કરવાનું ફરમાન કરવામાં આવ્યું છે. આવામાં અનેક સ્કૂલો દ્વારા વાલીઓ પાસેથી બાળકોના ભણતરની અને અન્ય ફી ઉઘરાવવામાં આવી રહી છે. જેનો 5 દિવસ અગાઉ NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું.