ભાવનગરમાં મેઘરાજાની તોફાની બેટિંગ ભાવનગર: શહેર અને જિલ્લામાં મેઘરાજાએ મન મુકીને વરસતા શહેર અને જિલ્લાને તરબત્તોળ કરી દીધો છે. ઊંચાણ અને નિચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. શાસક વિપક્ષ સહાનુભૂતિ મેળવવા મેદાનમાં ઉતરી ગયા છે. શહેરમાં છેલ્લા બે દિવસમાં મેહુલિયો મન મુકીને વરસ્યો છે.જો કે વરસાદ સમયે અનેક વિસ્તારોમાં ઘરમાં, બજારોમાં પાણી ઘુસ્યા જ્યાં કેટલાક પાણી ઉતરી ગયા છે તો કેટલાક હજુ પાણીમાં છે.
ક્યાં કેટલો પડ્યો વરસાદ?:ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ મન મુકીને વરસતા જિલ્લાઓમાં નદી નાળા વહેતા કર્યા છે. શહેર જિલ્લામાં 22 જુલાઈએ 6 ઇંચ સુધી વલભીપુરમાં વરસાદ નોંધાયો જયારે અન્ય તાલુકાઓમાં 1 થી 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે 23 જુલાઈ સવારે 6 થી 10 કલાક સુધીમાં ભાવનગરમાં 117 mm, વલભીપુર 22 mm, ઉમરાળા 54 mm, સિહોર 70 mm, જેસર 38 mm જ્યારે અન્ય તાલુકામાં બપોરના બે કલાક સુધી 6 થી 7 mm નોંધાયો છે.
ઘરોમાં પાણી ઘુસ્યા:રાત્રે શરૂ રહેલા અને આજ સવારથી સહેલું રહેલા વરસાદને પગલે શહેરના ભરતનગર વિસ્તારમાં, મોટા શીતળા માતાજી મંદિર સામે ગોકુળનગર, કુંભારવાડા, માઢિયા રોડ, કાળિયાબીડમાં ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. પાણીના વહેણ બદલાયા હોવાને કારણે ઊંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. મધ્યમ વર્ગના લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘરનો સામાન પાણીમાં તરતો જોવા મળ્યો હતો. પાણીમાં વસ્તુઓ ડૂબતા નુકશાનની ભીતિ વધી ગઈ છે.
શાળાઓના દરવાજા ખોલ્યા:ભાવનગરમાં કુંભારવાડા, માઢિયા રોડ જેવા નારી જેવા નિચાણવાળા વિસ્તારોમાં વરસાદ થંભી ગયા બાદ નિરીક્ષણ કરી સમસ્યા હલ કરવા મેદાનમાં શાસક-વિપક્ષ ઉતર્યા હતા. કોંગ્રેસના નેતાએ તળાવમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ ચાલુ વરસાદે લગાવ્યો હતો કે તળાવનો પાળા પરનું બાંધકામ તૂટી જવાથી પાણી ભરાવાના બદલે બીજે વહેતુ થતા તાત્કાલિક રિપેર કરવા માંગ કરી હતી. શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા ભાવનગરની 55 શાળા દરવાજા ખોલી આપવામાં આવ્યા છે. જેથી કરીને જે તે વિસ્તારમાં પાણી ભરાયું હોય તો લોકો આશરો લઈ શકે અને તંત્ર દ્વારા પણ ખાવા પીવાની વ્યવસ્થા કરાવી છે.
અન્ડર બ્રિજ સંપૂર્ણ ડૂબ્યો:શહેરના કુંભારવાડા વિસ્તારમાં આશરે 1,00,000 જેટલી વસ્તી છે. મોટાભાગના ગરીબો કુંભારવાડામાં રહે છે. પ્લાસ્ટિકના કારખાનાઓ સહિત અલંગના ડેલાઓ પણ આ વિસ્તારમાં આવેલા છે. ચોમાસામાં રેલવે ફાટક ઓળંગીને કુંભારવાડામાં જવાનું હોય ત્યારે અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે. ભાવનગરમાં બેથી અઢી ઇંચ વરસાદ પડતા અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જાય છે અને કલાકો સુધી પાણીનો નિકાલ થતો નથી. ભાવનગરમાં ગઈકાલથી આ અન્ડરબ્રિજ પાણીમા છે. 23 તારીખના રોજ પરિસ્થિતિ એવી છે કે સંપૂર્ણ અંડર બ્રિજ દેખાતો બંધ થઈ ગયો તેટલા પાણીનો ભરાવો થયો છે. તેને કારણે લોકોને રેલવે ફાટકના પગલે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ગામડા બેટમાં ફેરવાયા:જિલ્લામાં ભાવનગર તાલુકાના ભાલના ગામડાઓ ભાણગઢ, પાળીયાદ, સનેસ, માઢીયા જેવા અન્ય ગામડાઓ ભારે વરસાદને પગલે બેટમાં ફેરવાઈ જતા હોય છે. કાળુભાર નદી અને ઘેલો નદીમાં ઉપરવાસના આવતા પાણીને પગલે પાળીયાદ, દેવળીયા ગામ બેટમાં ફેરવાયા છે. ગઈકાલે થયેલા ભારે વરસાદ અને 23 તારીખના વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. જેને પગલે ગામડાઓની સ્થિતિ બગડી ગઈ છે. માલ સામાન અને માલ ઢોરને લઈને ગામડાના લોકો ચિંતામાં છે. શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. બોરતળાવ ભીકડા કેનાલમાં પાણીની આવક શરૂ છે. આથી કંસારા કાંઠેથી દૂર રહેવા મનપાએ જાણ કરી છે.
- Junagagh NDRF: પૂરમાં તણાયેલી મહિલાનો મૃતદેહ NDRFના હાથે લાગ્યો, બે દિવસથી હતી લાપતા
- Junagadh Rain: જૂનાગઢના રાયજીનગરમાં 24 કલાક બાદ પણ નથી ઓસર્યા પાણી, ભારે વરસાદને કારણે ઘેડ વિસ્તાર જળમગ્ન