બગદાણા નજીકના વાવડી ગામે વન વિસ્તારમાં માલઢોરને ચારણ માટે લઈ ગયેલા એક માલધારી પરિવાર પર દીપડાએ અચાનક હુમલો કરી ત્રણ ગોવળને ઘાયલ કર્યા હતાં. 5 ઘેટાંને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર પંથકમાં ગંભીરતાનો માહોલ સર્જાયો હતો.
બગદાણાના માલધારી પરિવાર પર દીપડાએ કર્યો હુમલો, 3 લોકો ઈજાગ્રસ્ત
ભાવનગર: બગદાણા નજીકના વાવડી ગામે દીપડાનો માલધારી પરિવાર પર હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી. હુમલા દરમિયાન ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી હતી તેમજ પાંચ ઘેટાંના મોત થયા હતાં.
ભાવનગર જિલ્લાના બગદાણા પાસેના વાવડી ગામની સીમમાં દડ વીડી વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન આસપાસના ગામડાઓમાંથી અનેક માલધારી પરિવારો પોતાના પશુઓને ચોમાસા-શિયાળાની ઋતુના સમાપન સુધી હંગામી ધોરણે પડાવ નાખી વસવાટ કરે છે અને જંગલ વિસ્તારમાં પોતાના દુધાળા પશુઓને ચરાવી જીવન નિર્વાહ ચલાવે છે.
માલધારી રત્નાભાઈ ઝાલાભાઈ સોલંકી દર વર્ષે પોતાના ઘેટા-બકરા સાથે ભંડારીયાની વીડીમાં આવી કામચલાઉ ઝૂંપડી બાંધી પશુપાલન કરે છે. જેમાં ગત રાત્રે દીપડો આવી ચડયો હતો અને માલધારી પરિવાર કશું સમજે વિચારે તે પૂર્વે એક બાદ એક ઘેટાંઓને નિશાન બનાવતાં હાજર માલધારીઓએ દીપડાનો પ્રતિકાર કરતાં દીપડાએ માલધારીઓ પર પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં રત્નાભાઈ ઝાલાભાઈ સોલંકી, મયાભાઇ શામળદાસ ટોળીયા તથા મેહુલ રત્નાભાઈ સોલંકી પર હુમલો કરી નાસી છુટ્યો હતો. ત્રણેય ઈજાગ્રસ્તોને બગદાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડાયા હતાં. ગંભીર હાલતની જાણ થતા વધુ સારવાર અર્થે ભાવનગર શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયાં રત્નાભાઈની હાલત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ પાલિતાણા ફોરેસ્ટ વિભાગને થતાં અધિકારી સહિત ન કાફલો ઘટના સ્થળે દોડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.