રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાવર મિલકતોની યોગ્ય માપણી અને તેની સચોટ આંકડાકીય વિગતો માટે સરકારે ઝડપી કામગીરી હાથ ધરી છે. ગામ તળની જમીનોના તેના માલિકો પાસે પૂરતા આધાર પુરાવા રહે તે માટે જરૂરી પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવાનો પ્રોજેક્ટ સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જેના માટે સૌપ્રથમ રાજ્યના ત્રણ જીલ્લા ભાવનગર,અમદાવાદ,સાબરકાંઠાના ત્રણ ગામોની પસંદગી કરવામાં આવી છે.
જે અનુસાર ભાવનગરના ઘાંઘળી ગામે ડ્રોન દ્વારા જમીન માપણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે વ્યક્તિઓ દ્વારા જે ગામ તળની જમીનોની માપણી કરવામાં 4 માસ જેટલો સમય લાગે છે. તે ડ્રોન દ્વારા માત્ર 50 મીનીટમાં પૂર્ણ કરી શકાય છે. જેથી ઘાંઘળી ગામે ગામ તળની 2000 જેટલી પ્રોપર્ટીનું સર્વે કરવામાં આવ્યું હતું.