ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં સૌની યોજના માટે જમીન ખેડૂતોની જાણ બહાર અને ધાકધમકીથી લેવાતી હોવાના આક્ષેપ ઉઠ્યા છે, આ અંગે ધારાસભ્ય અને ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી.
વલ્લભીપુરના ખેડૂતોમાં રોષઃ સૌની યોજનાનો લાભ ન મળ્યો પણ પાકનું નુકશાન અને ધાકધમકી મળી
ભાવનગરઃ જિલ્લાના વલ્લભીપુરમાં સૌની યોજનાનું કામ ચાલુ છે. ખેડૂતોને વળતરની સ્પષ્ટતા વગર અને ખેતરમાં ઉભા પાકને કાઢીને કોન્ટ્રાકટર કામગીરી કરે છે, ખેડૂત દ્વારા કામગીરી બંધ કરવાનું જણાવતા ધાકધમકી અપાતી હોવાની ફરિયાદ ઉઠી છે. સાથે જ ખેડૂતોએ ધારાસભ્યને સાથે રાખી કલેક્ટર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે.
ભાવનગર જિલ્લામાં સૌની યોજના અંતર્ગત ચાલી રહેલા કામને પગલે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ખેડૂતોના ઉભા પાકને બરબાદ કરીને કોન્ટ્રાકટરે કામગીરી કરતા ખેડૂતો રોષે ભરાયા છે.
વલ્લભીપુર તાલુકાના ધારાસભ્ય પ્રવીણ મારું સાથે ખેડૂતો કલેકટરને રજુઆત કરી આવેદનપત્ર આપવા દોડી આવ્યા હતા. ખેડૂતોને જમીનના વળતરની જાણ નથી કરાઈ અને કામગીરી શરૂ કરવા બાબતે જાણ વગર કામગીરી કરી ઉભા તૈયાર અને પાકનો નાશ કરાતા રજુઆત કરાઈ હતી. ખેડૂતો વિરોધ કરે તો ખોટા પોલીસ કેસ અને ધાકધમકી અપાતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.