ભાવનગર: ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક દાયકા પહેલા ચૂંટણી થઈ હતી, ત્યારબાદ હવે ફરી ચૂંટણી થવા પામી છે. સરકાર દ્વારા ચેરમેનની નિયુક્તિ વચ્ચેના સમયમાં કરી દીધી હતી. પરંતુ હવે ધોરણસર નવી ચૂંટણી થતાં સત્તા તો ભાજપની રહેવા પામી છે. ખેડૂત પેનલની થયેલી ચૂંટણીમાં 50-50નો માહોલ જોવા મળ્યો છે. જો કે વ્યાપારી પેનલમાં ચાર બેઠક ભાજપ પાસે બિનહરીફ હોવાને પગલે સત્તા તો તેની જ રહેવા પામી છે. પરંતુ છેલ્લા 10 વર્ષમાં યાર્ડની આવક-જાવક અને વિકાસને લઈને સ્થિતિ શું છે તે પણ આપણે સમજીએ.
મતદાન અને મતગણતરી વચ્ચે ઉમેદવારો કેટલા: ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક દાયકા બાદ ધોરણસર મતદાનની પ્રક્રિયા થઈ અને મત ગણતરી પણ થઈ છે. ત્યારે માર્કેટિંગ યાર્ડની વ્યાપારીની ચાર બેઠક બિનહરીફ ભાજપ પાસે છે. તેવામાં ખેડૂત પેનલની 10 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. ડી.એલ.જાની ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, કુલ ખેડૂત વિભાગ એકનું ઇલેક્શન હતું. એમાં કુલ 23 ઉમેદવારો હતા જેમાં 786 લોકોએ મતદાન કર્યું હતું. જેમાં 753 પૂરુષ અને 33 સ્ત્રી હતી. આજે બીજા દિવસે કાઉન્ટિંગ થતા 75 મત રદ થયા હતા અને 711 વોટનું કાઉન્ટિંગ થયું હતું. 23 ઉમેદવારમાંથી 10ને જીતેલા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ક્રમ 3 થી લઈને 12 સુધીનાને વિજેતા જાહેર કર્યા છે.
ભાજપ-કોંગ્રેસે લગાવ્યું જોર: ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત પેનલમાં 10 બેઠક માટે કુલ 23 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં મતગણતરી થતા પાંચ ભાજપના વિચારધારાવાળા અને પાંચ કોંગ્રેસના વિચારધારા વાળા લોકોની જીત થઈ હતી. જીત પામેલામાં ભાજપના પાંચ ઉમેદવારોને જોઈએ તો ગોહિલ દિગ્વિજયસિંહ પરબતસિંહને 390 મત, ગોહિલ સંજયસિંહ સુખદેવસિંહને 382 મત, ગોહિલ રઘુવીર સિંહ સુરુભાને 363 મત, જાજડિયા રણછોડભાઈ વાલજીભાઈને 337 મત અને જાંબુચા નોંધાભાઈ ભીખાભાઈને 322 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ વિચારધારાવાળા જાજડિયા ભીખાભાઈ ડાયાભાઈને 383 મત, ગોહિલ સુરજીતસિંહ મહાવીરસિંહને 381 મત, ગોહિલ વિરમદેવસિંહ રઘુભાને 364 મત,ગોહિલ સહદેવસિંહ દાદભાને 344 મત અને ગોહિલ ધર્મેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહને 334 મત મળવા પામ્યા હતા. આમ જીતનું ત્રાજવું સમાન રહ્યું હતું.
યાર્ડના વિકાસ અને ઉણપ વચ્ચે જીતેલા ઉમેદવારો:ભાવનગર માર્કેટિંગ યાર્ડના એક દાયકા થી શાસન અધિકારીઓ દ્વારા અને કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવતું હતું. ત્યારે હવે ચૂંટાયેલી પાંખ આવ્યા બાદ શાસન જીતેલા ઉમેદવારો થકી થવાનું છે. ત્યારે ભાજપની વિચારધારા વાળા ગોહિલ દિગ્વિજયસિંહ પરબતસિંહએ જણાવ્યું હતું કે, ખરેખર તો દસ વર્ષથી અધિકારી કર્મચારી દ્વારા શાસન ચાલી રહ્યું હતું. સારો પ્રયત્ન કર્યો છે પણ અન્ય યાર્ડની જેમ વિકાસ થયો નથી. યાર્ડમાં પાણીનો અભાવ છે, શૌચાલયની અવ્યવસ્થા અને સાવ સફાઈનો પ્રશ્ન છે. ખેડૂતની જણસી છે તેને બહાર રાખી વ્યવસ્થા કરવી પડે છે તેમાં પણ ચોરીના બનાવો બને છે તો આ માટે અને જણસીના સારા ભાવ મળે તેવા અમારા પ્રયત્નો રહેશે. જ્યારે કોંગ્રેસની વિચારધારા વાળા ભીખાભાઈ ઝાઝડીયાએ જણાવ્યું હતું કે સરકારે 2013 માં ચૂંટણી કરી બાદમાં 10 વર્ષ ચૂંટણી કરી નથી. સરકારે સત્તાના જોરે 2017માં નિયુક્તિ બોડી મૂકી પણ ચાલી નહીં. પછી વહીવટ દારે શાસન ચલાવ્યું તેમાં સ્થિતિ યાર્ડની કથળી ગઈ છે. અમારે પાંચ અને તેમને પાંચ મળ્યા છે. અમે ખેડૂતોના પ્રશ્નને પગલે કામ કરતા રહીશું. જો કે ચૂંટાયેલા સામેવાળાની બોડીના લોકોને અનુભવ નથી.