ભાવનગર : અલંગ પાસે આવેલા સોસીયા પંથકની કેસર કેરી દેશ વિદેશ સુધી પ્રખ્યાત છે. વરસાદને પગલે છેલ્લા ઘણા સમયથી કેરીનો ફાલ આવ્યા બાદ ખરી રહ્યો છે. પંથકમાં મોટાભાગે કેસર કેરીના આંબા હોય અને સ્વાદમાં પણ અન્ય કેસર કેરી કરતા અલગ સોસિયા કેરી આગામી દિવસોમાં મોંઘી મળે તો નવાઈ નહીં. કમોસમી વરસાદને પગલે આંબા પરની કેરી પણ પીળી પડવાનું અથવા તો ખરવાની શક્યતાઓ વધી ગઈ છે. ત્યારે બાગાયત વિભાગ આ મામલે શું કહે છે અને શું રહી શકે ભાવ જાણો
પંથકમાં કેસર કેરીના બગીચા :ભાવનગરનું જિલ્લાનું સોસીયા ગામ અલંગની પાસે આવેલું છે. સોસીયા, જસપરા, માંડવા, મીઠીવીરડી સહિત આસપાસના ગામડાઓમાં કેસર કેરીના આંબાઓ આવેલા છે. કેસર કેરીમાં સ્વાદમાં અન્ય કેરીઓથી અલગ સોસિયાની કેસર કેરીની માંગ દેશ-વિદેશ સુધી રહેલી છે. સોસિયાની કેસર કેરીની માંગ અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ અને વિદેશ સુધી એક્સપોર્ટ થતી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષમાં આંબે કેરી ઢગલા બંધ આવી પરંતુ કમોસમી વરસાદના કારણે ખરી જવાથી બગીચાના માલીક ખેડૂતોને ઉત્પાદન ઓછું મળવાની સંભાવનાઓ વધી ગઈ છે.
કેરી માટે વરસાદ વિલન સમાન :ભાવનગર જિલ્લાના સોસીયા પંથકમાં વરસાદને કારણે એક નહીં પરંતુ ત્રણ વખત આંબે મોર બેઠો હતો. ત્યારે ખેડૂતોને આંબાનો બગીચો ધરાવતા તેમજ વ્યાપારી નરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સમયાંતરે ડિસેમ્બર બાદ આંબે મોર એક નહીં પરંતુ ત્રણ વખત આવ્યો છે. પ્રથમ વખત આવેલા મોરમાં થોડી ઘણી કેરીઓ બચી છે. પરંતુ બાદમાં ઉપરાઉપરી આવેલા કમોસમી વરસાદને કારણે ફાલ ખરી ગયો છે. જોકે મોર પ્રથમ ડિસેમ્બર માસમાં બીજી વખત મોર ફેબ્રુઆરી માસમાં અને હાલ માર્ચમાં કમોસમી વરસાદને કારણે ત્રીજી વખત મોર બેઠો છે.