ભાવનગર: શહેરને એકમાત્ર રીંગરોડ આપીને સરકાર છેલ્લા 15 વર્ષથી જમીન પર ઉતારી શકતી નથી. રીંગરોડ ચૂંટણીમાં મુદ્દો બની રહ્યો છે, પરંતુ અફસોસની વાત એક જ છે કે રીંગરોડને લઈને માત્ર વાતું થાય છે પણ આ રીંગરોડ જમીન પર કેમ ઉતરતો નથી. આખરે તેની પાછળનું કારણ શું તે પ્રશ્ન સૌ ભાવનગર વાસીઓમાં ઉઠી રહ્યો છે વિપક્ષે વાર કર્યો છે, મહાનગરપાલિકા હાથ ખંખેરી રહી છે કે જવાબદારી માર્ગ અને મકાન વિભાગની છે. રોડ અને મકાન વિભાગ પણ અડચણ હોવાનું કહીને હાથ ખંખેરવાની કોશિશ કરી રહ્યું છે.
રીંગરોડ કેવી રીતે તૈયાર કરવામાં આવ્યો :ભાવનગરના એકમાત્ર રીંગરોડ માટે 297 કરોડ જેવી રકમ સરકાર તરફથી ફાળવાય છે. સમગ્ર રીંગરોડનું સંચાલન હાલમાં માર્ગ અને મકાન વિભાગ કરી રહ્યું છે. જોકે સામે રીંગરોડનો નકશો આવ્યો છે. નકશા પ્રમાણે જોવા જઈએ તો રીંગરોડની શરૂઆત ભાવનગર શહેરમાં નારી ચોકડીથી લઈને બાયપાસ વરતેજ રોડ થઈ સીદસર જાય છે. સીદસરથી આ રોડ રુવા ગામ તરફ જાય છે. રૂવા ગામથી ખાડી વિસ્તારમાં થઈને રીંગરોડ લાકડીયા પુલ વાળા માર્ગને સ્પર્શ કરે છે. લાકડીયા પુલથી આ રીંગરોડ નિરમાના પાટીયા સુધી અને નિરમાના પાટીયાથી હાઈવેની મળીને નારી ચોકડી સુધી જાય છે. જો કે આ રીંગરોડમાં કેટલાક પ્રકારના રોડ ઉપલબ્ધ છે બસ જરૂરિયાત છે તો તેને મોટા કરવાની છે. આ રોડ NHAI, NH, BMC, BADA અને R and B પંચાયત વિભાગને વહેંચવામાં આવ્યો છે.
ભાવનગરમાં છેલ્લા 15થી 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટી માત્ર વાતો કરીને ફાંકા મારી રહી છે. રીંગરોડ બનાવવાની માત્ર વાતો થઈ રહી છે, ત્યારે રીંગરોડ મંત્રેશથી રુવા સુધી ચારથી પાંચ કિલોમીટર બન્યો છે તે પણ તૂટી ગયો છે. કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવી શકતા નથી. જ્યારે અન્ય કામગીરી શું થઈ ? કોઈપણ શહેરનો વિકાસ ત્યારે થાય જ્યારે રીંગરોડ બને, પરંતુ આ શાસકો કશું કરતા નથી હવે ભાવનગરવાસીઓને જાગવું પડશે. અમે આગામી દિવસોમાં આમણાંત ઉપવાસ કરવાનો સમય આવ્યો છે. - પ્રકાશ વાઘાણી (પ્રમુખ, શહેર કોંગ્રેસ,ભાવનગર)
માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના જવાબો શું :ભાવનગરના માર્ગ અને મકાન વિભાગ પાસે સમગ્ર રીંગરોડનું સંચાલન છે, ત્યારે અધિકારી આરયુ પટેલ સાથે થયેલી મુલાકાત દરમિયાન તેમને મૌખિક રીંગરોડ ત્રણ વિભાગમાં વહેંચાયો હોવાનું જણાવ્યું હતું. તેમજ રીંગરોડમાં ક્યાંક રસ્તામાં ઈલેક્ટ્રીક પોલ, પાણીની લાઈન અને ડ્રેનેજ લાઈન હોવાને કારણે કામગીરી કરવામાં વિલંબ પડી રહ્યો છે તેવી પ્રાથમિક વાત કરી હતી. જો કે બે દિવસનો સમય માંગીને મીડિયા પાસે અધિકારી બે દિવસ બાદ ફોલ્ડમાં હોવાનું જણાવી રહ્યા છે. હવે જ્યારે પુનઃ સમય લેવાની વાત કરવાની કોશિશ કરવામાં આવી તો અધિકારી રજા ઉપર ઉતરી ગયા હોવાનું ટેલિફોનિક વાતમાં જણાવ્યું છે. મતલબ સાફ છે કે રીંગરોડને લઈને ક્યાંક રંધાઈ રહ્યું છે. આખરે રિંગરોડ પાછળ રાજકારણ શું તે પ્રશ્ન જરૂર ઊભો થાય છે.