ભાવનગર શહેર તથા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ, ધાડ જેવી ગંભીર ઘટનાઓનો ક્રાઈમ ગ્રાફ ઉત્તરોત્તર વધી રહ્યો છે. જેને લઈને આમ આદમી ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. એવા સમયે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ તથા તળાજા પોલીસની ટીમે બેખોફ ગુનાઓને અંજામ આપતા લૂંટારૂઓને ઝડપી ૨૨ જેટલા ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.
ભાવનગર પોલીસે ચોરી અને લૂંટ આચરતી ગેંગનો કર્યો પર્દાફાશ
ભાવનગર: લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા તળાજા પોલીસની સંયુક્ત કામગીરીનાં અંતે ભાવનગર પંથકમાં છાશવારે ચોરી, લૂંટ આચરતી ગેંગનો પદૉફાશ કર્યો છે અને ૬ ધાડપાડુઓને ઝડપી લઈ વધુ ગુનાઓનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી છે.
આ અંગે જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌરે આપેલી માહિતિ અનુસાર ભાવનગર LCBની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ દરમિયાન ત્રણ શખ્સો બાઈક પર શંકાસ્પદ હાલતે પસાર થતા તેઓને અટકાવી ઊંડી અને તલસ્પર્શી તપાસ હાથ ધરતા આ ત્રણેય શખ્સો ધાડપાડુ ગેંગના સભ્યો અને દિવસનાં સમયે કશું વેચવાના બહાને ગામેગામ ફરી બંધ ઘર તથા એકલ દોકલ રહેતા વયોવૃદ્ધ વ્યક્તિઓના ઘરની રેકી કરી રાત્રીનાં સમયે ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાનું જાણવા મળ્યું હતું.
આથી પોલીસે ત્રણેય વ્યક્તિઓ પાસેથી ગુનો કરવાની મોડેસ ઓપરેન્ડી જાણી એકબાદ એક કુલ ૬ લૂટારૂઓને અટક કર્યા હતા અને છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આચરેલ નાના મોટા ૨૨ ગુનાઓનો ભેદ ઊકેલ્યો છે. આ શખ્સો પાસેથી ચોરી કરેલ મુદ્દામાલ, બાઈકો, મોબાઈલ ફોન અને ચોરી કરવા ઉપયોગમાં લેવાતા હથિયારો કબ્જે કર્યા છે. પોલીસનાં જણાવ્યા અનુસાર હજુ પણ તપાસ શરૂ છે અને આ ગેંગ સાથે સંકળાયેલા વધુ શખ્સો તેમજ ગુનાઓની ઘટના ઉજાગર થશે.