કતપરના સરપંચની હત્યા કેસમાં 12 વર્ષે ચુકાદો આવ્યો ભાવનગર :મહુવા તાલુકાના કતપર ગામે 2011 માં ગામના સરપંચ વાલાભાઈ જાદવની હત્યા થઈ હતી. આ બનાવ સંદર્ભે મહુવા પોલીસ સ્ટેશનમાં 11 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જોકે બાદમાં સામસામે ક્રોસ ફરિયાદ પણ નોંધાઈ હતી. પોલીસ ફરિયાદ બાદ મહુવા કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. ત્યારે આ મામલે કોર્ટ દ્વારા 11 પૈકી 3 આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યારે અન્ય 8 શખ્સોને ત્રણ વર્ષની જેલ સજા ફટકારવામાં આવી છે. ક્રોસ ફરિયાદમાં સામે વાળા પક્ષને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
શું હતો મામલો ? ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કતપર ગામે 2011 માં વાલાભાઈ જાદવ સરપંચ હતા. ત્યારે વાલાભાઈ જાદવ સાથે કતપર ગામના જ શખ્સો સાથે થયેલી માથાકૂટ બાદ તેમની હત્યા કરી દેવામાં આવી હતી. સમગ્ર ઘટના બાદ મહુવા પોલીસ સ્ટેશનમાં 11 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદને પગલે પોલીસે 11 શખ્સોની ધરપકડ કરી હતી. ફરિયાદ નોંધાયા બાદ મહુવા કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આ મામલે હવે મહુવા કોર્ટે ચુકાદો આપ્યો છે.
2011 ના હત્યાના કેસમાં કોર્ટ દ્વારા 11 આરોપી પૈકી ત્રણને આજીવન કેદની સજા અને આઠને રાયોટિંગના કેસમાં ત્રણ વર્ષની સજા આપવામાં આવી છે. -- રાજેશ વશિષ્ઠ (વકીલ)
11 લોકોને સજા :મહુવાના કતપર ગામે થયેલી વાલાભાઈ જાદવની હત્યાના આરોપી ભલાભાઇ નાજાભાઇ પરમાર, જોધાભાઈ સતારભાઈ પરમાર અને નાજાભાઇ બીજલભાઈ પરમારને કોર્ટે આજીવન કેદની સજા અને 10,000 નો દંડ ફટકાર્યો છે. જ્યારે અન્ય આઠ આરોપી સુરાભાઈ નાજાભાઇ પરમાર, લાલાભાઈ નાજાભાઈ પરમાર, વાલાભાઈ સતારભાઈ પરમાર, આણંદભાઈ હાજાભાઈ પરમાર, મેઘાભાઈ નાજાભાઈ પરમાર, ગોવિંદ રૂડાભાઈ જાદવ અને ગુણાભાઈ કાબાભાઈ ગમારાને ત્રણ વર્ષની જેલ અને 2,000 ના દંડની સજા ફટકારવામાં આવી છે.
ક્રોસ ફરિયાદમાં ચુકાદો :આ મામલે સામે પક્ષે પણ ક્રોસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ચાર શખ્સોની ધરપકડ બાદ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેમાં આધાર પુરાવાના અભાવે કોર્ટ દ્વારા ચાર શખ્સોને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય કેતનભાઈ વાલાભાઈ જાદવનો પણ સમાવેશ થાય છે.
12 વર્ષે ચુકાદો આવ્યો : મહુવાના કતપર ગામમાં હત્યાના બનાવમાં 12 વર્ષ બાદ કોર્ટમાં ચુકાદો આવ્યો છે. જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહુવા પંથકમાં આરોપીઓને સજા જાહેર થયા બાદ ચારે તરફ ચર્ચા ચાલી રહી છે. મહુવા કોર્ટમાંથી આરોપીઓને સજા બાદ વાહન મારફત પોલીસ દ્વારા ભાવનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.
- દુષ્કર્મ આચરનારા આરોપીને મહુવા કોર્ટે 10 વર્ષની સજા ફટકારી
- Bhavnagar News : ઈચ્છામૃત્યુની માંગ સાથે મહુવાના માતા-પુત્ર પહોંચ્યા કલેક્ટર કચેરી, જાણો શું છે મામલો...