ભરૂચ : કોરોના વાઇરસની મહામારીથી સમગ્ર વિશ્વ ભયભીત છે, ત્યારે ઔદ્યોગિક નગરી ભરૂચની એક હોટલ ચર્ચાનું કેન્દ્ર બની છે. ભરૂચ રેલ્વે સ્ટેશન સામે જ એક હોટલનું નામ કોરોના છે. સમગ્ર વિશ્વ કોરોનાથી દુર ભાગી રહ્યું છે, ત્યારે આ કોરોના એવું છે જેમાં લોકો રહેવા જાય છે. જો કે લોકડાઉનના પગલે હાલ તો આ હોટલ બંધ રાખવામાં આવી છે. ભરૂચમાં આજથી ૧૨ વર્ષ પૂર્વે આ હોટલનો પાયો નંખાયો હતો.
વિશ્વ ડરી રહ્યું છે ‘કોરોના’ નામથી, જ્યારે ગુજરાતની એક એવી હૉટલ, જેનું પણ નામ છે ‘કોરોના’
વિશ્વભરના લોકો કોરોનાથી દુર ભાગે છે, પરંતુ ભરૂચનું એક કોરોના એવું કે જ્યાં લોકો રહેવા જાય છે. જી..હા... આ વાત સાચી છે. 12 વર્ષ પૂર્વે સ્થપાયેલી હોટલના સંચાલકે વિચાર્યું પણ નહતું કે હોટલનું નામ વૈશ્વિક મહામારીનું સ્વરૂપ લેશે.
હોટલ સંચાલક સાકીરભાઈએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૧૨ વર્ષ પૂર્વે જ્યારે હોટલનું નામ કોરોના રાખવામાં આવ્યું હતું. ત્યારે તેઓએ વિચાર્યું પણ નહોતું કે આ નામ વૈશ્વિક મહામારીનું સ્વરૂપ લેશે. કોરોનાનો ગુજરાતી નામમાં અર્થ તાજ અથવા આભામંડળ થાય છે. વૈભવી ચીજવસ્તુઓ દર્શાવવા લોકો હોટલ અથવા તેમની પ્રોપર્ટીનું નામ કોરોના રાખતા હોય છે, પરંતુ કોરોના નામે આજે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. હોટલના સંચાલક હાલ રમઝાન માસમાં અલ્લાહની બંદગી ગુજારી રહ્યા છે અને કોરોનાની વૈશ્વિક મહામારીમાંથી સમગ્ર વિશ્વને મુક્તિ મળે તેવી દુઆ ગુજારી રહ્યા છે.