- ગેસ પુરવઠો બંધ રહેવાને લઈને ગુજરાત ગેસ કંપનીનું સત્તાવાર નિવેદન
- 11 જાન્યુઆરીએ ગેસનો પુરવઠો 29 કલાક બંધ નહીં રહે
- ગેસ પુરવઠાને અસર થયા વગર સમારકામ કરવામાં આવશે
ભરૂચ/દહેજ: રાજ્યના 14 લાખ PNG, 3700 ઇન્ડસ્ટ્રીઝ, 12300 કોમર્શિયલ અને 400થી વધુ CNG પમ્પ પર પુરવઠો ચાલુ રહેશે. ગુજરાતમાં આગામી 11 જાન્યુઆરી સવારે 5 વાગ્યાથી 29 કલાક સુધી દહેજમાં સારકામના પગલે ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા ગેસ પુરવઠો બંધ રાખવાના વહેતા થયેલા અહેવાલોથી રાજ્યના 14.16 લાખ ગ્રાહકો અને લાખો વાહનચાલકોમાં હાહાકાર મચી ગયો હતો. આ બાબતે ગુજરાત ગેસ કંપની દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીને ગેસ પુરવઠો બંધ રહેશે નહી અને રાબેતા મુજબ ચાલુ જ રહેશે.
ગેસ સપ્લાય બંધ થવાના વહેતા થયા હતા સમાચાર
આગામી તારીખ 11 જાન્યુઆરીએ ગુજરાતમાં ગેસ સપ્લાય બંધ રહેશે. તેવા અહેવાલોને લઈ શુક્રવારે રાજ્યભરમાં ગૃહિણીઓ, ગેસ વપરાશકારોમાં હડ્કંપ મચી ગયો હતો. વહેતા થયેલા અહેવાલો મુજબ દહેજમાં ગેસની પાઈપલાઈનનું સમારકામ કરવામાં આવનાર હોય એક દિવસ માટે એલપીજી, સીએનજી અને પીએનજીનો પુરવઠો બંધ રાખવામાં આવશે તેવી માહિતીઓ ફરતી થઈ હતી.