ભરુચ નજીકની નર્મદા નદીના જળસ્તરમાં ઘટાડો
ભરુચ: ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના પગલે નર્મદા નદીના પાણીમાં વિપુલ માત્રામાં આવક થઇ હતી. ભરુચમાં શુક્રવારના રોજ સવારના સમયે 14 ફુટથી જળસ્તર વધાવાની શરુઆત થઇ હતી. જે ભયજનક સપાટી 24 ફુટ પાર કરી ગઈ હતી. પરંતુ હાલ પરિસ્થિતી નિયંત્રણમાં છે.
ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઇ ગયા છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ભરુચમાં નર્મદા સરોવર ડેમના દરવાજા ખોલવાના કારણે ભરુચ નજીકની નર્મદા નદીમાં વધારો જોવા મળ્યો હતો. નર્મદામાં જળસ્તર 29 ફુટને સ્પર્શી ગયા હતા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતી સર્જાઇ હતી. પરંતુ શનિવારના રોજ 11 કલાકે ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. જેના પગલે નર્મદા નદીમાં પાણીની આવક ઓછી થઇ હતી. નીચાણવાળા ગામોમાંથી પણ પુરના પાણી ઓસર્યા હતા. ભયજનક સ્થિતી બનતા અટકી હતી.