- કંપનીના વેર હાઉસમાં લાગેલ આગ વિકરાળ બની હતી
- પોલીસ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી
- ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચતા આગ પર કાબું મેળવ્યો
ભરૂચ:ઔદ્યોગિક નગરી ભરૂચમાં છાશવારે આગના બનાવો સામે આવતા હોય છે. ત્યારે, આજે ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. ઝઘડિયાના ખરચી ગામ નજીક આવેલ વાયલાઈન વર્ક્સ કંપનીમાં આજે ગુરૂવારે સવારના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આથી, ધુમાડાના ગોટેગોટા નજરે પડતા દોડધામ મચી હતી. આ બનાવની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો:કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલમાં આગ, કોઈ જાનહાની નહીં
વેર હાઉસમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
ભરૂચમાં કાચની વસ્તુઓ બનાવતી કંપનીના વેર હાઉસમાં આગ લાગી હતી. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવની જાણ થતા જ પોલીસ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. તંત્ર દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અન્ય આગની ઘટનાઓ
વિસનગરની ફેક્ટરીમાં આગ લાગી હતી
વિસનગરમાં આવેલી નૂતન સ્કૂલ સામે એક ડાયમંડ ફેકટરીના બિલ્ડીંગમાં રાત્રે 8 વાગ્યાના સુમારે એકાએક ધુમાડા ઉડવા લાગ્યા હતા. ડાયમંડ યુનિટ બંધ હોવા છતાં ધુમાડા નીકળતા સ્થાનિકોએ તપાસ કરી તો આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો હતો. જેને લઈને વિસનગર ફાયર ટીમને જાણ કરીને આગ બુજાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:મધ્યપ્રદેશના દમોહ બસ સ્ટેન્ડમાં અગ્નિ તાંડવ , 7 બસ થઈ ખાખ
સહારનપુરમાં પેપર મિલના ગોડાઉનમાં આગ લાગી હતી
જણાવી દઈએ કે, ગોયન્કા ગ્રુપની સૌથી મોટી પેપર મિલ થાણા સહારનપુરના સદર બજાર વિસ્તારમાં આવેલી છે, જ્યાં સોમવારે મોડી રાત્રે લાકડાના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. જ્યારે આગના સમાચાર મળતા હાજર કર્મચારીઓ અને અધિકારીઓમાં હોબાળો મચી ગયો હતો. કર્મચારીઓએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગોડાઉનમાં સુકા લાકડા હોવાને કારણે આગ વધી રહી હતી.
પાલઘરમાં એક પરિવારના 4 લોકો બળીને ખાખ થયા હતા
મોખરા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક દુકાનમાં લાગેલી આગમાં એક જ પરિવારના 4 સભ્યોનાં મોત નીપજ્યાં હતાં. આમાં 2 મહિલાઓ, 1 કિશોર અને 1 કિશોરી વયના બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે, અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. પાલઘર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે માહિતી આપી હતી કે, ઘરમાં બધા લોકો સૂઈ રહ્યા હતા, ત્યારે જ આ ઘટના બની હતી.