ભરૂચઃ કેન્દ્ર સરકારે જોખમી એવી વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી 27 જેટલી જંતુનાશક દવા પર પ્રતિબંધ લાદ્યો છે. જેને લઇ ખેડૂતોનો મિશ્ર મત જોવા મળી રહ્યો છે. નર્મદા નદીના કિનારે વસેલા ભરૂચ જિલ્લામાં મોટાપ્રમાણમાં શેરડી, કપાસ અને કેળાનું વાવેતર થાય છે. ભરૂચના વાલિયા, ઝઘડીયા પંથકમાં કેળાનું બમ્પર ઉત્પાદન થાય છે અને આ વિસ્તારને બનાના હબ કહેવામાં આવે છે. તો ભરૂચના આમોદ, જંબુસર અને વાગરા પંથકમાં કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. એક સમયે ભરૂચને કોટન કિંગ કહેવાતું હતું. આજની ખેતીની પદ્ધતિમાં જંતુનાશક દવાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. જો કે કેન્દ્ર સરકારે રોજિંદા વપરાશમાં લેવાતી 27 જેટલી જંતુનાશક દવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેમાં માનવ તેમ જ પશુઓના જીવન પર જોખમી અસર પેદા કરે તેવી 27 જંતુનાશક દવાઓના ઉપયોગ પર મનાઈ ફરમાવી છે.
આ બાબતે ભરૂચના ખેડૂતોનો મિશ્ર મત જોવા મળી રહ્યો છે. ભરૂચના પ્રગતિશીલ ખેડૂત હસુભાઈ પટેલે ETVBharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારે જંતુનાશક દવા પર પ્રતિબંધ મૂક્યાં બાદ સરકારે બીજી દવા માર્કેટમાં લાવવી જોઈએ, કારણ કે આજની ખેતી પદ્ધતિ એવી છે જેમાં જંતુનાશક દવા વગર ચાલે એમ નથી તો અન્ય એક ખેડૂત આગેવાન અરવિંદસિંહ રણાએ જણાવ્યું હતું કે, સરકારે 27 જંતુનાશક દવા પર નિયંત્રણ મૂક્યું છે, એ મહદઅંશે યોગ્ય છે. પરંતુ આ દવાઓ રોજિંદા વપરાશમાં આવે છે આથી સરકારે બીજી દવા લાવવી જોઈએ. જોકે ખેડૂતોએ છાણીયું ખાતર જ વાપરવું જોઈએ.