- રાજ્યમાં કોરોના હાહાકાર
- ભરૂચમાં 24 કલાકમાં 45 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
- એક દિવસના સૌથી વધું મૃત્યું
ભરૂચ: કોરોનાની બીજી લહેર ઘાતકથી વધુ ઘાતક સાબિત થઈ રહી છે. જિલ્લામાં વધતો મૃત્યુઆંક તંત્ર માટે ચિંતાનું કારણ બન્યો છે. ભરૂચમાં નર્મદા નદીના કિનારે રાજ્યમાં સૌ પ્રથમ વાર સ્પેશ્યલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું હતું, જ્યા કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. કોવિડ સ્મશાનમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના એક દિવસમાં સૌથી વધુ 45 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વહેલી સવારથી મોડી રાત સુધી ચિતાઓ સળગી રહી હતી અને મૃતકોના સ્વજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.
અત્યારસુધી કોવિડ સ્મશાનમાં 1050 લોકોના અંતિમ સંસ્કાર,તો તંત્રના ચોપડે 52 જ મોત નોંધાયા!!!
ભરૂચ અને અંકલેશ્વરમાં માનવ વસાહતો નજીક સ્મશાન ગૃહ આવેલા હોવાના કારણે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીના કિનારે જુલાઈ 2020માં સ્પેશ્યલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું હતું, જ્યા અત્યાર સુધીમાં 1050 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે જ્યારે તંત્રના ચોપડે કોરોનાથી થયેલ મૃત્યુનો આંક માત્ર 52 જ નોંધાયો છે.