- ભરૂચ પોલીસનું કોરોના કહેર વચ્ચે લોકોનું મનોરંજન કરવાનો પ્રયાસ
- તુલસીધામ શાકમાર્કેટ ખાતે પોલીસે વાતાવરણને બનાવ્યું હળવું
- સ્થાનિક રહીશોએ પોલીસ વિભાગના પ્રયાસને આવકાર્યો
ભરૂચ : માર્ચ મહિનાથી દેશભરમાં કોરોના વાઇરસનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે કોરોનાના ભયમાંથી લોકોને રાહત મળે તે માટે ભરૂચ પોલીસે નવતર અભિગમ હાથ ધર્યો છે. તુલસીધામ શાકમાર્કેટ પાસે પોલીસે બેન્ડ સંગીત રજુ કર્યુ હતું અને લોકોનું મનોરંજન કરવાનો પ્રયાસ કર્યો હતો.
જવાનોએ સંગીતની સુરાવલી રજુ કરી લોકોને મનોરંજન પુરૂ પાડયું
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ શાકમાર્કેટ ખાતે રોજના સેંકડો લોકો શાકભાજી તેમજ અન્ય વસ્તુઓ ખરીદવા માટે આવતાં હોય છે. સાંપ્રત સમયમાં દરેક માનવી કોરોનાના ભય સામે ઝઝુમી રહ્યો છે. ત્યારે તેમનો ભય દુર કરવા અને વાતાવરણને હળવું બનાવવા પોલીસ વિભાગે એક નવતર પગલું ભર્યું હતું. લોકોની ભીડભાડથી ધમધમી રહેલાં તુલસીધામ શાકમાર્કેટ ખાતે વાલીયાથી એસઆરપી બેન્ડની ટુકડી આવી પહોંચી હતી. બેન્ડમાં સામેલ જવાનોએ સંગીતની સુરાવલી રજુ કરી લોકોને મનોરંજન પુરૂ પાડયું હતું. પોલીસના આ પ્રયોગને લોકોએ પણ આવકાર્યો હતો.