- કોરોના કાળમાં આરતી ઈન્ડસ્ટ્રીઝમાં 10 જગ્યા માટે 500 ઉમેદવાર આવ્યા
- ઉમેદવારોએ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા 5 અધિકારીની અટકાયત કરાઈ
- કંપનીએ સવારે 10થી સાંજે 5 કલાક સુધી વોક ઈન ઇન્ટરવ્યૂ રાખ્યો હતો
ભરૂચઃ ભરૂચમાં કોરોના મહામારી વચ્ચે મંગળવારે આરતી ઈન્ડસ્ટ્રીઝે એબીસી સર્કલ નજીક આવેલી એક હોટેલમાં વોક ઈન ઈન્ટરવ્યૂ રાખ્યો હતો, જેમાં ભાગ લેવા 500 ઉમેદવારો આવ્યા હતા. જોકે, યુવાનો નોકરી લેવાની લાલચમાં ને લાલચમાં કોરોના અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલી ગયા હતા. એકસાથે આટલું મોટું ટોળું એકત્રિત થવાથી કોરોના વિસ્ફોટ થઈ શકે છે. એટલે પોલીસે કંપનીના 5 બેદરકાર અધિકારીઓ સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી છે. આ સાથે તમામ સામે કલેક્ટરના જાહેરનામાનો ભંગ અને એપેડેમિક એક્ટનું ઉલ્લંઘન કરવા બદલ ગુનો નોંધ્યો છે.
10 જગ્યા માટે 500 ઉમેદવાર સોશિયલ ડિસ્ટન્સ ભૂલી આવ્યા મેદાને
ABC સર્કલ પર ફિલ્ડ ઓપરેટર, મેકેનિકલ ટેક્નિશિયન, સુપરવાઈઝર, યુટિલિટી ટેક્નિશિયન, ડિપ્લોમા ઈન કેમિકલ સુપરવાઈઝર, રોટેટિંગ ઈકવિપમેન્ટ ટેક્નિશયન, શિફ્ટ ઇન્ચાર્જ, એમઓસી ઇન્ચાર્જ અને એન્જિનિયરની 10 જગ્યા માટે કંપનીએ ઈન્ટરવ્યૂ ગોઠવ્યા હતા. જોકે, 500 જેટલા બેરોજગાર ઉમેદવારો અહીં નોકરી મેળવવા આવ્યા હતા. પરંતુ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડતા પોલીસ દોડતી થઈ હતી.