- કબીરવડ ખાતે નર્મદા નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા
- 4 પૈકી 2 યુવાનોના મૃતદેહ શોધખોળ બાદ મળી આવ્યા
- બાકી રહેલા 2 યુવાનોની શોધખોળની કવાયત શરૂ
ભરૂચ : જિલ્લાના પ્રવાસન સ્થળ કબીરવડ ખાતે ગુરૂવારના રોજ નર્મદા નદીમાં ન્હાવા પડેલાં 4 યુવાનો ડૂબ્યાં હતાં. જેમાંથી ગામલોકોએ નદીમાંથી બે યુવાનોને બહાર કાઢ્યાં હતાં પણ તેમનો જીવ બચાવી શકાયો ન હતો. જયારે બે યુવાનો હજુ પણ લાપતા હોવાથી તેમની શોધખોળ શરૂ કરાઈ છે.
4 યુવાનો ડૂબ્યા હતા નદીના પાણીમાં
કબીરવડ ખાતે નર્મદા નદીના પાણી છીછરા હોવાથી સહેલાણીઓ નદીમાં ન્હાવાનો આનંદ મેળવવા આવતા હોય છે. ગુરૂવારના રોજ 4 મિત્રો કબીરવડ ખાતે નર્મદા નદીમાં ન્હાવા પડ્યાં હતાં. જેમાં પાણીની ઉંડાઇનો ખ્યાલ ન રહેતાં ચારેય નદીમાં ડૂબવા લાગ્યાં હતાં. ગામલોકોએ ચારેય યુવાનોને ડૂબતા જોતા નદીમાં ઝંપલાવ્યું હતું. ગામલોકો 2 યુવાનોને ખેંચીને કિનારા પર લાવ્યાં હતાં પણ બંને યુવાનોનો જીવ બચાવી શકાયો ન હતો. અન્ય બે યુવાનો નદીમાં લાપતા થયા છે. બનાવની જાણ થતાં ભરૂચ ફાયર બ્રિગેડના લાશ્કરો કબીરવડ ખાતે રવાના થયાં હતાં. બનાવ સંદર્ભે પોલીસે મૃતક યુવાનોના નામ અને સરનામા મેળવવાની તજવીજ હાથ ધરી છે.
મૃતકો મૂળ રાજસ્થાનના જોધપુરના રહેવાસી
કબીર વડ ખાતે કુલ 8 મિત્રો ફરવા ગયા હતા. જે પૈકી કેટલાક યુવાનો નર્મદા નદીમાં ન્હાવા ગયા તે સમયે આ ઘટના બની હતી. તમામ મિત્રો મૂળ રાજસ્થાનના જોધપુરના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે અને તેઓ હાલ ભરૂચના ભોલાવ વિસ્તારમાં રહેતા હતા તેમજ ફર્નિચરના કામ સાથે સંકળાયેલા હતા.