ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલા રાધેકિષ્ણ સોસાયટીનાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. બંગલામાં રહેતો રાઠોડ પરિવાર મકાન બંધ કરી બહાર ગામ ગયો હતો. તે દરમિયાન સમી સાંજે તસ્કરો બારીનો કાચ તોડી અંદર પ્રવેશ્યા હતા અને તેઓએ અંજામ આપ્યો હતો.
ભરૂચના એક બંગલામાં ચોરી કરવા ઘુસેલા બે તસ્કરોને પોલીસે ઝડપ્યા - તસ્કરો
ભરૂચઃ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલ બંગલામાં ચોરી કરવા ઘુસેલા બે તસ્કરો પોલીસનાં હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે બંગલામાં અડધો કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવી અભરાઈ પર સંતાયેલ બે તસ્કરોની ધરપકડ કરી હતી.
આ દ્રશ્યો પાડોશની એક મહિલાએ જોતા તેઓએ સોસાયટીના સભ્યો અને પોલીસને જાણ કરી હતી. ગણતરીનાં સમયમાં જ સી ડીવીઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંગલામાં સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું. પોલીસના ધાડેધાડા જોઈ તસ્કરો ડઘાઈ ગયા હતા અને એક રૂમમાં સંતાઈ ગયા હતા.
પોલીસના જવાનોએ ફિલ્મી ઢબે સતત અડધા કલાક સુધી બંગલામાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને આખરે બંને તસ્કરો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા.પોલીસ બંને તસ્કરોને પકડી પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી.તેઓની પુછતાછમાં ચોકાવનારી વિગતો બહાર આવી હતી. તસ્કરો વૈભવી બંગલામાં લગાવાયેલ મોંઘાદાટ નળની ચોરી કરવા પ્રવેશ્યા હતા. પોલીસે બંને તસ્કરોની અટકાયત કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.