બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લો એટલે વર્ષોથી પાણી સામે ઝઝૂમતો જિલ્લો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા અનેક ગામડાઓમાં વર્ષોથી પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ત્યારે વાત સરહદી વિસ્તારના ભાભર તાલુકાના વડપગ ગામની કરવામાં આવે તો વડપગ ગામ લગભગ 2500 જેટલી વસ્તી ધરાવતું ગામ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પાણી આવતું નથી. જેથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે તેથી સ્થાનિક લોકોની માંગ છે કે સરકાર દ્વારા સત્વરે પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે.
પાણીના સાત ટાંકા: ભાભર તાલુકાના ગામમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા છે. ત્યારે પાણીની સમસ્યા નિવારવા માટે તંત્ર દ્વારા ટાંકા બનાવાયા છે. તંત્ર દ્વારા ટાંકા તો બનાવાયા પરંતુ પાણી નથી. જેના કારણે ટાંકા પણ કોરાધાકોર પડ્યા છે. તેથી લોકો પણ હવે સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા દેખાઈ રહ્યા છે.
અમારા ગામમાં સાત ટાંકા છે પરંતુ સાથે ટાંકા પાણી વગરના છે. અમારે પાણી નથી તેથી ખૂબ મુશ્કેલી પડે છે. અમારે ઘરે નાના નાના બાળકો છે તો તેમને નાહવા ધોવા માટે પણ પાણી જોઈએ. તો તેમને શાળાએ પણ કઈ રીતે મોકલવા. અમારી સાથે બાળકો જો પાણી ભરવા માટે આવે તો તેમને શાળાએ જવાનું પણ મોડું થાય છે અને પાણી વગર અમારી પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. તેથી સરકારને અપીલ છે કે અમારા વિસ્તારમાં પાણી આપવામાં આવે....મંજુબેન(સ્થાનિક)
માટલા ફોડી વિરોધ: ભાભરના ગામમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા હોવાથી છેવટે સ્થાનિક મહિલાઓએ કંટાળીને સરકાર સામે વિરોધ કરતાં માંગ કરી છે કે છેલ્લા કેટલાક સમયથી અમારા વિસ્તારમાં પાણી નથી આવતું. જેથી અમે અમારા બાળકો પણ ભણાવી નથી શકતા. પશુપાલન નથી કરી શકતા કે કંઈ મજૂરી પણ નથી કરી શકતા. અમારે પીવા માટે પણ પાણી નથી મળતું. તેથી અમારે ખૂબ મોટી મુશ્કેલી વેઠવી પડે છે. તેથી પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે.
અમારા ગામમાં નળની યોજના બનાવી છે, પરંતુ પાણી જ નથી. તો નળની વાત ક્યાં રહી? પાણી વગર નળ શું કામના. અમારા ગામમાં પાણીના સાત ટાંકા છે પરંતુ પાણી જ નથી. તો ટાંકાનું શું મતલબ. એટલે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે અમારા ગામમાં પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે...રમણભાઈ(સ્થાનિક)
વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે: વડપગ ગામમાં પાણી છેલ્લા કેટલાક સમયથી આવતું નથી તેથી શાળાએ જતા પહેલા વિદ્યાર્થીઓએ નાવા ધોવા માટે પાણી ભરવા જવું પડે છે. પાણી ભર્યા બાદ તેઓ નાઈ ધોઈને શાળાએ જતા હોય છે. પરંતુ તેઓ પાણી ભરવા જાય ત્યાં વધારે ભીડ હોય છે. જેના કારણે શાળાએ જવામાં મોડું થાય છે અને અભ્યાસ પર તેની સીધી અસર પડે છે. તેથી વિદ્યાર્થીઓ પણ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા સત્વરે પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે.
- Banaskantha News : ડીસા જન સેવા કેન્દ્રમાં આ તે કેવી સેવા? ગ્રામ્ય અને શહેરના દાખલાઓ માટે એક જ વિન્ડો, વિદ્યાર્થીઓ પરેશાન
- Water Crisis In Banaskantha: લાખણી તાલુકાના મોટાભાગના ગામડાઓમાં પાણી વગર ખેડૂતોની હાલત કફોડી
- Water Crisis : પીવાનું પાણી મેળવવાની રઝળપાટના દ્રશ્યો હલબલાવે એવા, દર વર્ષની સમસ્યા છતાં બનાસકાંઠા જિલ્લા તંત્ર નઘરોળ કેમ?