બનાસકાંઠા: જિલ્લામાં આવેલા ડીસાના જેરડા ગામમાં બે પિતરાઈ ભાઈ પાણીના વહેણમાં ફસાઈ જતા મોત થયા હોવાની ઘટના સામે આવી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠાના ડીસા તાલુકાના કેટલાક ગામોમાં પાણી આવ્યું હતું. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી ધીમીધારે વરસાદ વરસી રહયો છે.
ડીસાના જેરડા ગામના તળાવમાં ડૂબી જતાં બે પિતરાઈ ભાઈઓના મોત
ડીસા તાલુકાના જેરડા ગામમાં આવેલા તળાવમાં વરસાદી પાણી જોવા ગયેલા બે પિતરાઈ ભાઈઓ પાણીના વહેણમાં ગરકાવ થઇ જતા બંનેના મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ડીસા તાલુકાના જેરડા ગામમાં આવેલા તળાવમાં વરસાદી પાણી આવતા હાલ આ તળાવ ઓવરફલો થયુ છે. ત્યારે આ તળાવને જોવા માટે આખુ ગામ ભેગુ થયું હતું. જે બાદ જેરડા ગામમાં રહેતા ગણેશ મગનભાઈ ડાભી (ઉંમર વર્ષ 36) તેમજ અમૃતભાઈ મીઠાંભાઈ ડાભી (ઉંમર 34) પોતાના ખેતરમાં વરસાદી પાણી આવે છે કે, નહીં તે જોવા ગયા હતા. જ્યાં બંને પિતરાઈ ભાઈઓ તેમના ખેતર પાસેથી પસાર થતા વ્હોળોમાં પગ લપસાઈ જતા ધસમસતા પાણીમાં ડૂબી ગયા હતા.
જ્યાં આ બને ભાઈ ડૂબ્યાની જાણ થતાં આજુબાજુ ના લોકો તેમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મોડે સુધી તેમની કોઈ જાણકારી ન મળતા આખરે સ્થાનિક તરવૈયાઓને બોલાવી તળાવમાં બને ભાઈઓની શોધખોળ શરૂ કરી હતી. જ્યાં આ તળાવમાંથી સ્થાનિક તરવૈયાઓની મદદથી બને પિતરાઈ ભાઈઓની 2 કલાકની ભારે જહેમત બાદ મૃત હાલતમાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને બને મૃતક પિતરાઈ ભાઈના મૃતદેહને ડીસા સિવિલમાં પી એમ અર્થે ખસેડાયા હતા.