બનાસકાંઠાઃ હાલ વિશ્વ સહિત સમગ્ર ભારતમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અનલોકની ગાઇડલાઇન મુજબ જિલ્લામાં પણ બજારો ખુલતાની સાથે જ હાલમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે. બનાસકાંઠાના ડીસા અને પાલનપુરમાં સૌથી વધારે રોજના 10થી પણ વધુ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આ બાબતે વધતા જતા કેસના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ લોકો જાગૃત થાય તે માટે અવાર નવાર સલાહ સૂચનો આપવામાં આવે છે. પરંતુ લોકો જાણે કોરોના વાઇરસથી ડરતા ન હોય તેવું લાગી રહ્યું છે.
ડીસાની મેઈન બજાર કે જ્યાં રોજના હજારોની સંખ્યામાં લોકો અવર જવર કરે છે. ડીસા શહેરમાં વધતા જતા કોરોના વાઇરસના કેસને રોકવા માટે શહેરના કરિયાણા અને સુવર્ણકાર એસોસિએશન દ્વારા લોકોની ભીડ વધારે ન થાય તે માટે મીટીંગ યોજી સવારે 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ધંધા રોજગાર ચાલુ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિયમ આજે ગુરુવારથી તમામ લોકો માટે પ્રમુખ દ્વારા અમલ કરવા સૂચના પણ અપાઈ હતી.
એસોસિએશનના નિયમનો ફિયાસ્કો ડીસામાં 350થી પણ વધુ કરિયાણાની દુકાનો આવેલી છે અને બજારમાં સૌથી વધુ ભીડ કરિયાણાની દુકાનો પર જોવા મળતી હોય છે. કોરોનાનું સંક્રમણ ઓછું ફેલાય તે માટે સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ કરિયાણાની દુકાનના વેપારીઓ પૈસા કમાવવા માટે એક પણ દુકાન બંધ કરી ન હતી અને જાણે પ્રમુખ દ્વારા આપવામાં આવેલી સૂચનાનું નાટક ભજવાયું હોય તેવું જોવા મળ્યું હતું.
હાલમાં કોરોના વાઇરસના વધતા જતા કેસ વચ્ચે સોના-ચાંદીના ભાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સુવર્ણકાર એસોસિએશનના પ્રમુખ દ્વારા આજે ગુરુવારથી 15 તારીખ સુધી તમામ સુવર્ણકાર એસોસિએશનમાં આવતા વેપારીઓએ 2 વાગ્યા પછી પોતાના ધંધા રોજગાર બંધ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી.
દુકાન બંધ રાખવાનું નાટક ભજવાયું પરંતુ સુવર્ણકાર એસોસિએશનમાં પણ એકપણ દુકાન બંધ જોવા મળી નહોતી. માત્ર સુવર્ણકાર એસોસિએશનના પ્રમુખની દુકાન બંધ હતી. ડીસામાં સુવર્ણકાર એસોસિએશનની 400થી પણ વધુ દુકાનો આવેલી છે. પરંતુ વેપારીઓએ પ્રમુખની સૂચનાનો અનાદર કરી પોતાના ધંધા રોજગાર ચાલુ રાખ્યા હતા.
ડીસામાં કરિયાણા-સુવર્ણકાર એસોસિએશનના નિર્ણયનો ફિયાસ્કો