બનાસકાંઠાનું ડીસા શહેર તમામ મોરચે નવી દિશા ચીંધવામાં અગ્રેસર રહે છે. આ વર્ષે ડીસાની જૂની અને જાણીતી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા આદર્શ વિદ્યાસંકુલમાં કેળવણીના પાઠ ભણતા બાળકોના વાલીઓએ પણ જાગૃતિની પ્રતિતી કરાવી. વિશ્વ શિક્ષક દિનની ઉજવણી પ્રસંગે આદર્શ વિદ્યાસંકુલના તમામ ગુરુજીઓનું સામુહિક સન્માન કરી નવી દિશા ચીંધી છે. ડીસાના આદર્શ વિદ્યાસંકુલમાં બે અલગ અલગ સેશનમાં શાળાના વાલી મંડળ દ્વારા વિશ્વ શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત શિક્ષક સન્માન સમારોહ યોજાયા હતા. જે પૈકી પ્રથમ સેશનમાં આદર્શ પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો તેમજ બીજા સેશનમાં શાળાના માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના તમામ ગુરુગણનું વાલી મંડળો દ્વારા જાહેર સન્માન કરાયું હતું.
બનાસકાંઠામાં શિક્ષક દિન નિમિત્તે પ્રથમવાર એક સાથે 155 શિક્ષકોનું સન્માન કરાયું
ડીસા: બનાસકાંઠા જિલ્લાના ડીસાની આદર્શ સ્કૂલમાં એક સાથે 155 શિક્ષકોનું સન્માન કરી ડીસાના વાલીઓએ ચીંધી નવી દિશા નોંધાવી હતી. આ સન્માનથી શિક્ષકોમાં પણ આનંદ જોવા મળ્યો હતો.
સંસ્કાર મંડળ, ડીસાના પ્રમુખ ડો. અજયભાઈ જોશી, પ્રતાપભાઈ ઠક્કર, ભગવનભાઈ ચડોખિયા અને નટુભાઈ પટેલ સહિત અન્ય ટ્રસ્ટીઓ ઉપરાંત ડીસામાં સૌપ્રથમ વાર શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું પારિતોષિક મેળવી શિક્ષકો માટે પથદર્શક બનેલા પ્રખર સાહિત્યકાર કનુભાઇ આચાર્યની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ શિક્ષક સન્માન સમારોહમાં શાળાના પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના વાલી મંડળોના હોદ્દેદારો અને જાગૃત વાલીઓએ સ્વહસ્તે શાલ, સન્માનપત્રો અને કલમ અર્પણ કરી ગુરુગણનું સન્માન કરી તેમનો રૂણ સ્વીકાર કર્યો હતો. આ કાર્યક્રમમાં એક જ શૈક્ષણિક સંકુલમાં વિશ્વ શિક્ષક દિનની ઉજવણીના દિવસે જ એક સાથે 155 જેટલા શિક્ષકોનું સન્માન કરાતા આ પ્રસંગ શાળા જ નહીં, શિક્ષક જગત માટે પણ નોંધપાત્ર બની રહ્યો હતો.
આદર્શ વિદ્યાસંકુલના વાલી મંડળોએ શિક્ષક સન્માનનો આવકાર્ય અભિગમ અપનાવી નગર તેમજ જિલ્લાની અન્ય શૈક્ષણીક સંસ્થાઓના વાલીઓને પણ નવો રાહ ચીંધ્યો હતો. શાળાના વાલી મંડળો દ્વારા શાળાના નવનિયુક્ત પ્રધાનાચાર્ય કે.પી.રાજપૂતનો પણ ફેટો પહેરાવી સ્મૃતિચિહ્ન આપી ખાસ સત્કાર કરાયો હતો. દર વર્ષે શૈક્ષણિક સંસ્થાઓમાં પાંચમી સપ્ટેમ્બરે વિશ્વ શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત સ્વયં શિક્ષક દિનની પણ ઉજવણી કરાય છે. આ ખાસ દિવસે બાળકો જ એક દિવસ માટે શાળાના આચાર્ય, શિક્ષક તેમજ સેવક તરીકેની જવાબદારી સંભાળી શાળા સંચાલન તેમજ શૈક્ષણિક કાર્યનો જાત અનુભવ મેળવતા હોય છે. આ વર્ષે ડીસાના આદર્શ વિદ્યાસંકુલમાં એક દિવસ માટે શિક્ષક બનેલા એક સોથી વધુ બાળકોને પણ વાલી મંડળ દ્વારા આકર્ષક પેનની ભેટ આપી સન્માનિત કરી પ્રોત્સાહન પૂરું પડાયું હતું. ડીસા આદર્શ વિદ્યાસંકુલના ચારેય વાલી મંડળોની આવી સક્રીયતા ઉડીને આંખે વળગી હતી.