બનાસકાંઠાઃ ડીસા તાલુકાના રસાણા મોટા ગામે શનિવારે સવારે ગામના જ યુવકે કોઇ અગમ્ય કારણોસર આધેડને નીચે પટકી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી હતી. મૃતદેહને ડીસા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો.
ડીસાના રસાણા મોટા ગામે આધેડની હત્યાથી ચકચાર
બનાસકાંઠામાં ડીસા તાલુકાના રસાણા મોટા ગામે શનિવારે સવારે ગામના જ યુવકે કોઇ અગમ્ય કારણોસર આધેડને નીચે પટકી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી હતી. મૃતદેહને ડીસા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો. આ બનાવ અંગેની જાણ થતાં જ ડીસા તાલુકા પીઆઇ એમ.જે. ચૌધરીએ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ લેબાભાઇ પરમાર શનિવારે સવારે પોતાના ખેતરથી ઘાસનો ભારો ઉપાડી ઘર તરફ આવી રહ્યાં હતાં. જે દરમિયાન ગામ નજીક આવેલા વાધણીયા વાસના ચબૂતરા પાસે ગામના જ અનિલ ઠાકોરે કોઇ અગમ્ય કારણોસર લેબાભાઇ પરમારને જમીન પર પટકી માર મારતાં તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું. આ અંગે સ્થાનિક રહીશે મૃતકના પરીવારને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. જો કે, લેબાભાઇ ને બેભાન અવસ્થામાં જ ડીસા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતાં ફરજ પરના તબિબે તેઓને મૃત જાહેર કર્યા હતાં. આ અંગેની જાણ થતાં ડીસા તાલુકા પીઆઇ એમ.જે. ચૌધરીએ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે. મૃતકના પુત્ર નગીન પરમારે ડીસા તાલુકા પોલીસ મથકે અનિલ ઠાકોર સામે હત્યાની ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.