- યુવતીના પિતાએ યુવક-યુવતી સહિત પાંચ વ્યક્તિઓ સામે નોંધાવી હતી ફરિયાદ
- નીચલી કોર્ટે આપ્યા હતા 4 દિવસના પોલીસ રિમાન્ડ
- હાઇકોર્ટે રિમાન્ડ રદ્દ કરી દસ હજારના જાત જામીન પર મુક્ત કર્યા
બનાસકાંઠાઃ જિલ્લામાં પાલનપુર તાલુકાના ધાણધા ગામના વતની અને સુરતમાં આર ટી ઓ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં નિશારખાન જીતુખાન ઘાસુરાએ પાલનપુરની એક હિન્દૂ યુવતી સાથે ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. આ મુદ્દે હિન્દૂ સંગઠનોએ કથિત લવ જહાદનો મુદ્દો બનાવી હંગામો મચાવ્યો હતો. જેથી પોલીસે બન્ને યુવક-યુવતીને ઝડપી પાડયાં હતા. યુવતીના પિતાએ યુવક-યુવતી સહિત પાંચ વ્યક્તિઓ સામે લગ્નના ખોટાં દસ્તાવેજ બનાવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
યુવક અને યુવતીને પોલીસ પ્રોટેક્શનમાં સુરત મોકલાયા
જેના આધારે પાલનપુરમાં બીજી એડિશનલ સેશન્સ કોર્ટે યુવકને 4 દિવસના પોલીસ રિમાન્ડ આપ્યાં હતા. પરંતુ યુવકના પરિવારે તે જ દિવસે હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સની અરજી દાખલ કરી હતી. જ્યાં હાઇકોર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળી પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ જ ગુનો નહિ બનતો હોવાનું ટાંકી યુવકના પોલીસ રિમાન્ડને ત્વરિત અસરથી રદ્દ કરી બન્ને યુવક-યુવતીઓને દસ હજારના જાત જામીન પર મુક્ત કર્યા હતા. યુવકની નોકરી સુરત હોવાથી બન્નેએ સુરત જવા પોલીસ રક્ષણ માંગતા હાઇકોર્ટે તેમને પોલીસ પ્રોટેક્શન સાથે સુરત મોકલવવા આદેશ કર્યો હતો.
યુવક-યુવતીને હાઇકોર્ટે જામીન પર મુક્ત કર્યા ફરિયાદ મુદ્દે બન્ને પોલીસ ઇન્સ્પેક્ટરો વિરુદ્ધ આઈ.જી.લેવલની તપાસ કરવા હાઇકોર્ટે આપ્યો આદેશ
આ કેસમાં પાલનપુર પૂર્વ પોલીસ અને પશ્ચિમ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટરોએ યુવક-યુવતી સહિત પાંચ સામે કિંમતી દસ્તાવેજોના દૂરઉપયોગ, ખોટું લગ્ન સર્ટિફિકેટ સહિત અનેક ગંભીર કલમો લગાવી હતી. જે મુદ્દે હાઇકોર્ટે બન્ને પી.આઈ.વિરૂદ્ધ આઈ.જી.લેવલના અધિકારી પાસે તપાસ કરાવી તેનો રિપોર્ટ એક અઠવાડિયામાં ડી.જી.પી.ને સોંપવા આદેશ કર્યો છે.