બનાસકાંઠા:પાલનપુરમાં આરટીઓ ચેકપોસ્ટ પર છેલ્લા દોઢ-બે વર્ષથી એલિવેટેડ બ્રીજ કામ ચાલી રહ્યું છે. જે દરમિયાન ગઈકાલે (23 ઓક્ટોબર 2023)ના રોજ એકાએક બ્રિજનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ બ્રીજ નીચે રીક્ષામાં બેસેલા બે યુવાનોના ઘટના સ્થળે જ મૃત્યું નીપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિતનું તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને કામગીરી શરૂ કરી હતી. દરમિયાન બંને યુવાનોના મૃતદેહને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યાં હતાં અને પરિવારને આ અંગે જાણ કરવામાં આવી હતી જેનાં પગલે તેમના પરિવારનાં સભ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં.
મૃતક પરિવારની માંગ:હવે આ મામલે પરિવારની એક જ માંગ છે કે, સરકાર જવાબદારો સામે પગલા લે, અને એલિવેટેડ બ્રિજનું કામ કરી રહેલાં જે પણ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો કે કંપની માલિકો સામેલ હોય તેમને કડકમાં કડક સજા મળે. જ્યાં સુધી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહોને સ્વીકારવાનો પરિવારે ઈન્કાર કર્યો છે, તેમજ આ મામલે રોડ પર ચક્કાજામ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
જવાબદાર સામે કાર્યવાહી થાય: આ બાબતે પરિવારે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આરટીઓ સર્કલ પાસે જે બ્રિજનો સ્લેપ ઘરાશાયી થયો છે, જેમાં તેમણે પોતાના પરિવારના બે દિકરા ગુમાવ્યાં છે. ઘટનાની આટલી કલાકો વિતી જવા છતાં તંત્રએ કોઈ નક્કર કાર્યવાહી કરી નથી અને જવાબદારો સામે પગલા ભર્યા નથી. તેથી તેમની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે જે કંપનીના કોન્ટ્રાક્ટર કે માલિક જે પણ વ્યક્તિ આ મામલે જવાબદાર હોય તેમની સામે ફરિયાદ દાખલ કરી તાત્કાલિક ધોરણે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.પરિવારજનોએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે 11 લોકો સામે ફરિયાદ નોંધાવી.