બનાસકાંઠાઃ જિલ્લામાં બુધવારના રોજ 13 તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે કોંગ્રેસ પાસે રહેલી 4 તાલુકા પંચાયત પર સત્તા મેળવતા કોંગ્રેસ ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. અઢી વર્ષ પૂર્વે થયેલી ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા મેળવી હતી. તે ટકાવી રાખવામાં કોંગ્રેસ નિષ્ફળ નીવડી છે.
બનાસકાંઠા જિલ્લામાં તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્ણ, ભાજપે કોંગ્રેસ સામે મારી બાજી
બનાસકાંઠા જિલ્લામાં બુધવારના રોજ 13 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપે કોંગ્રેસ પાસેથી 4 તાલુકા પંચાયત પર સત્તા મેળવી છે. જેથી કોંગ્રેસ પોતાની સત્તા ટકાવી રાખવામાં નિષ્ફળ રહી છે.
બુધવારના રોજ યોજાયેલી ચૂંટણીમાં ભાજપે વડગામ, દાંતીવાડા, દિયોદર અને ભાભર તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી છીનવી સત્તાનું સુકાન સંભાળ્યું હતું. જ્યારે કાંકરેજ તાલુકા પંચાયતમાં ભાજપને હરાવી કોંગ્રેસે સત્તા હાંસલ કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં કુલ 14 તાલુકા પંચાયતમાંથી હવે માત્ર ત્રણ જ તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે છે. જ્યારે બાકીની 10 તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જેથી ભાજપના કાર્યકરોમાં આનંદનો માહોલ છવાયો છે.
બનાસકાંઠા જિલ્લામાં બુધવારના રોજ યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં જે સદસ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા છે. તેમણે કોંગ્રેસના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. સૌથી મહત્વની બાબત એ છે કે, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના અબાસણા ગામના જ વ્યક્તિએ કોંગ્રેસથી છેડો ફાડી ભાજપમાં આવી પ્રમુખ પદ મળ્યું છે. તાલુકા પંચાયતના સદસ્ય એવા હકીબેન ઠાકોરને ભાભર તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ધારાસભ્યની પોતાની મનમાની ચલાવતા હતા. તેમજ વિકાસના કામો પોતાના સગાઓને આપી ભ્રષ્ટાચાર આચરતા હતા. જેથી કંટાળીને તેઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પર થયેલા આક્ષેપો મામલે તેમણે ખુલાસો કર્યો હતો કે, પક્ષ પલટો કર્યા બાદ આક્ષેપો થવા સ્વાભાવિક છે. પરંતુ જે વ્યક્તિ મારા પર આક્ષેપ કરી રહ્યો છે તેને ટીકીટ અપાવી હતી કે મારા ગામનો જ વ્યક્તિ છે. પરંતુ હવે ભાજપના સંપર્કમાં આવ્યો હોવાથી મારી સામે આ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે. અઢી વર્ષ બાદ જ્યારે લોકો પાસે મત લેવા જશે, ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.
અઢી વર્ષ બાદ ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા મેળવવામાં નિષ્ફળ નીવડી છે અને તેના જ કારણે ભાજપે તેની 4 તાલુકા પંચાયતો પર સત્તાનું સુકાન સંભાળ્યું છે. હજુ પણ જો કોંગ્રેસ કાર્યકરોમાં વધુ વિશ્વાસ સંપાદીત નહીં કરે તો આગામી સમયમાં કોંગ્રેસનો ગઢ ગણાતો બનાસકાંઠા જિલ્લો પણ ભાજપ મય બની જાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
- લાખણી તાલુકા પંચાયતનો કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવીથી બાકીની 13 તાલુકા પંચાયત માટે બુધવારના રોજ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. તેમાં તાલુકા પંચાયતમાં વિજેતા બનેલા નામ અહી રજૂ કરવામાં આવ્ય છે.
ગામ | પ્રમુખનું નામ | ઉપ્રમુખનું નામ | પક્ષ |
સુઈગામ | મેવાભાઈ કલાલ | સતીબેન ચૌધરી | ભાજપ |
ધાનેરા | સોનાભાઈ પટેલ | કુસુમબેન ઠાકોર | ભાજપ |
વાવ | ધુળીબેન રાજપૂત | ગોમતીબેન પટેલ | ભાજપ |
થરાદ | દાનાભાઈ માળી | ધીરજ પટેલ | ભાજપ |
અમીરગઢ | પાયલબેન મોદી | મનહરબા ચૌહાણ | ભાજપ |
વડગામ | પરથીભાઈ ચૌધરી | સવિતાબેન બેગડીયા | ભાજપ |
દિયોદર | ઉત્તમસિંહ વાઘેલા | અમરબેન ચૌહાણ | ભાજપ |
ભાભર | હકીબેન ઠાકોર | ગેમરજી ઠાકોર | ભાજપ |
દાંતીવાડા | ભૂરીબેન મકવાણા | રમેશભાઈ ઘાડીયા | ભાજપ |
દાંતા | જ્યોત્સનાબેન તરાલ(કોંગ્રેસ) | નેહલબેન ઠાકોર (ભાજપ) | કોંગ્રેસ |
કાંકરેજ | ક્રિષ્ના ઠાકોર | રામસિંહ રબારી | કોંગ્રેસ |
પાલનપુર | સંગીતાબેન ડાકા | જવાનજી ઠાકોર | કોંગ્રેસ |
ડીસા | વિજાબેન બોકરવાડિયા | રાધાબા સોલંકી | ભાજપ |